103 - પડછાયો લખવા / અનિલ વાળા
કાગળમાં પડછાયો લખવા,
બેઠો છું પડછાયો લખવા !
લખવું જેવું તેવું ક્યાં છે ?
શું લેવા લલચાયો લખવા ?
ધીરે ધીરે લખ ગઝલોને,
ના બનતો રઘવાયો લખવા.
વરસોનાં વરસો ખરચું છું,
હું અત્તરનો ફાયો લખવા.
સઘળા તડકા વેઠી લઈને,
આપો અમને છાંયો લખવા.
શબ્દે-શબ્દે, પ્યાલે-પ્યાલે,
હું છલછલ છલકાયો લખવા.
બોલો, હું શું શું સંભળાવું ?
ક્યાં ક્યાં-થી પડઘાયો લખવા !
0 comments
Leave comment