107 - સ્વાદમાં તૂરી હશે / અનિલ વાળા


રેત એનાં તટ ઉપરની કેટલું ઝૂરી હશે ?
એ નદીની કોણ જાણે શું ય મજબૂરી હશે !

રંગની કેવી અસર છે આપણાં મનની ઉપર,
આપણી તો લાગણી પણ જાંબલી - ભૂરી હશે.

એક સપનાં કાજ આખી જિંદગી ખરચો અને,
એ જ સપનાંની હકીકત સ્વાદમાં તૂરી હશે.

વારતા શિયાળવું એ આશમાં કરતું રહ્યું,
કાગડાની ચાંચમાં ક્યારેક તો પૂરી હશે.

બ્હારથીને ભીતરેથી એ કરે ઘાયલ મને,
લાગતું કે ગંધ એ બે ધારની છૂરી હશે.


0 comments


Leave comment