109 - સાવ ખાલી છે અગાશી / અનિલ વાળા


દોસ્ત, મનનાં દ્વાર વાસી જો જરા,
પ્રેમનાં કારણ તપાસી જો જરા.

જેમને તારાં સતત માની રહ્યો,
એમને થોડાં ચકાસી જો જરા.

બોલવુંયે ક્યાં અહીં તો શક્ય છે,
જોશથી ક્યારેક ખાંસી જો જરા.

તું ભલા બેઠેલ છો જે નાવમાં,
ત્યાં નથી એકે’ ખલાસી, જો જરા.

એ ખરેખર આંખનો ધોખો હતો,
સાવ ખાલી છે અગાશી, જો જરા.


0 comments


Leave comment