110 - એટલે કે હું નથી / અનિલ વાળા


હાથ, પગને પાંસળીઓ એટલે કે હું નથી
આ મરેલી આંગળીઓ એટલે કે હું નથી

રક્ત ઉર્ફે લાલ એવો તું ય તરજૂમો કરે,
શ્યામરંગી વાદળીઓ એટલે કે હું નથી

તીક્ષ્ણ હો મારું સતત હોવાપણું તો, લે કહું –
શ્વાસની બુઠ્ઠી સળીઓ એટલે કે હું નથી

હું નથી શેરી, નથી ભીંતો, નથી પરસાળ હું,
લીંપણોની ઓકળીઓ એટલે કે હું નથી

પ્રેમનો સ્વભાવ યાને કૃષ્ણનું સંગીત હું,
સાવ સૂની વાંસળીઓ એટલે કે હું નથી


0 comments


Leave comment