111 - સાચું હોય છે / અનિલ વાળા
શબ્દનું સંધાન સાચું હોય છે,
એ જ કેવળ જ્ઞાન સાચું હોય છે.
એ તરફ જો માન સાચું હોય છે,
આ તરફ અપમાન સાચું હોય છે.
કૃષ્ણ સાચાં હોય છે એવું નથી,
કૃષ્ણનું હર ગાન સાચું હોય છે.
એમને એનું મળે છે ફળ તરત,
જેમનું પણ દાન સાચું હોય છે.
ચાર દિ’ની ચાંદની સાચી હશે,
એ પછી વેરાન સાચું હોય છે.
સત્યમાં વિશ્વાસ થોડો કર હવે,
રોજ મળતું ધાન સાચું હોય છે.
0 comments
Leave comment