૩૩ જાંબુડી હેઠ / રમેશ પારેખ


બાઈ, માથાબોળ પ્હેલીવ્હેલી નાહી
વાળ જાંબુડી હેઠ હું કોરા કરવા બેઠી
ભોંય લગોલગ ડાળ
તે એના કોઈ કાળા ઝેબાણ
જાંબુડે ડંખ દીધો કાંઈ ડંખ...
અમથી નહીં કોઈ દી’ ને શેં આમ ચીલો ચાતરવા બેઠી..

ઘરની ઘીચોઘીચ ભીંસામણ ફળિયે વેરી દઈને
મેં તો એયને છોડ્યા વાળ
મનમાં લગીર ખટકો યે નહીં ઝાડની ભેળા
તડકાછાંયા વણતા હશે જાળ
ઊંબરે મૂઈ હું તે એવું શું ય દાઝી કે
આહીં આવીને સાવ ઠામુકી ઠરવા બેઠી

ફળિયા લાગી સીમ આવીને ટહુકે
કાબર ચકલી તેતર મોર ઘંટીડા જેમ
ટહુકે મારાં ટેરવાં સામે બોલકા સૂડા જેમ :
મૂવાં ને વારવાં પછી કેમ ?
હું જ ભોળીભટ્ટાક ને મારો વાંક કે
કોરા કમખા માથે મોરનું ભરત ભરવા બેઠી
બાઈ, માથાબોળ પ્હેલીવ્હેલી નાહી
વાળ જાંબુડી હેઠ હું કોરા કરવા બેઠી..........