૪૬ થાય છે પસાર…. / રમેશ પારેખ


જંગલ કૂદી – કૂદીને હરણ થાય છે પસાર
કાંઠાની ભીડમાંથી ઝરણ થાય છે પસાર

ક્યાંથી મળી બપોરના તડકાને તાજગી
લઈ તારા શ્વાસો વાતાવરણ થાય છે પસાર

મારી નજર તમારા ખબર પૂછતી રહે
જંગલ ખીણો તળાવને રણ થાય છે પસાર

ખાલી ટકોરો પણ ન થયો બંધ દ્વાર પર
નહીં તો અહીં ઘણાં ય ચરણ થાય છે પસાર

સૂડાનું વૃંદ થઈને ટહુકતા’તા અહીં તહીં
વનના એ લીલા છાંયડા પણ થાય છે પસાર

જાહેરમાર્ગ જેવો વિરહ થઈ ગયો હવે
લઈ કાફલોઓ યાદના ક્ષણ થાય છે પસાર.