1 - સાહિત્યનો એક અનોખો ‘અનિલ’ / પ્રસ્તાવના / તારીખ – વાર સાથે / હરદ્વાર ગોસ્વામી


   અનિલભાઈને હું વિદ્યાર્થીકાળથી ઓળખું છું. એમના એકવડિયા બાંધાથી સરેલી પ્રલંબ રચનાઓને હજી કાન ભૂલ્યા નથી. એમની ગુજરાતી - અંગ્રેજી સાહિત્ય પરત્વેની સજ્જતા માટે પણ મને એટલો જ આદર. પછી તો... સાહિત્યરસ મૈત્રીમાં એકરસ થઈ ગયો; અને એમના નામમાંથી 'ભાઈ'. વિશેષણ નીકળી જાય છે અને હળવા ફૂલ...

   પછી અનિલ, પ્રા. અનિલ બને છે. એમના જ્ઞાનનો લાભ બોટાદકર કૉલેજથી બોડેલી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને મળ્યો છે. અલબત્ત, અપ – ડાઉન દરમિયાન મુસાફરોને (કંડકટર સુદ્ધાને) પણ સાહિત્યની રસ - લ્હાણ કરાવે.

   સાહિત્યના તમામ સ્વરૂપમાં અનિલ કલમ ચલાવી શકે. પણ, એનો ઉઘાડ કવિતામાં વિશેષ થાય. અલબત્ત, એનાં કવન માફક જીવનમાં પણ લેથારજીપણું દેખાય.

   અનિલની પ્રથમ ગઝલ રચના ‘શબ્દસૃષ્ટિ’માં, પ્રથમ ગીત રચના ‘તાદર્થ્ય’ (સંપા. મફત ઓઝા) માં અને પ્રથમ અછાંદસ રચનાઓ ‘ખેવના’માં અને પ્રથમ કાવ્યાસ્વાદ ‘શબ્દસૃષ્ટિ’ માં તેમ જ પ્રથમ વિવેચનલેખ ’બુદ્ધિપ્રકાશ’માં પ્રકાશિત થાય છે અને મોટાભાગે એમના વિદ્યાર્થી – કાળમાં ! ગુજરાતી વિષયના અધ્યાપક થયા. પછી ખાસ્સા બાર વર્ષના પ્રલંબ સમય પછી આપણને આ એમનો પ્રથમ કાવ્ય - સંગ્રહ મળે છે.

   અનિલમાં આત્મ-વિશ્વાસ-અંધશ્રદ્ધા, આક્રોશ-આનંદ, સંત-સેક્સ, મરીઝ-મનહર એક સાથે જીવે છે.

   અનિલની કવિતાનો વિશેષ છે વર્સેટાલિટી, સારા-માઠા અનુભવો સેળભેળ થયેલા દેખાય. પૂરો સભાન અખતરા-બાજ. સાહિત્યની વડાબંધીને જાણે અને હસી કાઢે. કોઈ સૂચન કરે તો સ્વીકારેય ખરો અને ન પણ સ્વીકારે ! પરંપરા અને સંદિગ્ધને ગીતનાં માધ્યમે સેળભેળ કરી નાખે. કડવાશ લખીને-ઓકી નાખે, નિર્મમ બનીને... અને પછી એ જ નિતાંત નિર્દોષતા અને નિર્મળતા એની કવિતામાં 'શોલે' ફિલ્મનો ગબ્બર અને માતાજીનો ‘ગબ્બરનો ગોખ’ એકરૂપ બની જાય. પ્રણયની પક્કડ અને ‘આધ્યાત્મિકતાનો અનુભવ’ની સાથે હિન્દી- ગુજરાતી-અંગ્રેજી ભાષાની ભરમાર પણ હોય. ગીતના લય, લયખંડ ગઝલનું નાવીન્ય અને અછાંદસના કટાક્ષ જોવા માણવા જેવા છે. એની કવિતાઓ જેટલી શબ્દથી ઊધડે છે એનાથી કૈંક વધારે નિ:શબ્દથી ઊઘડે છે. પણ એ કહે છે એમ ‘હમેશાં ખૂબ દૂર જાઓ, સત્ય ત્યાંથી જ તમને પ્રાપ્ત થશે. મનના આયામોને તપાસવાનો તેનો પ્રયાસ ધ્યાનાર્હ છે. છત્રીસની છાતીવાળો જ જીવનાનુભવની સાચ્ચી કવિતા લખી શકે એવું કદી પોતાનાં તોર-તુમાખી-ખુમારી બતાવે.

   એની સાચુકલી રચનાઓ અમુક સામયિકોમાં ન છપાય તો હસી નાખે. અને પછી.... ‘કિંજલ શાહ’ના નામની ‘દ્રૌપદી’ જેવી કાવ્યરચના ‘કવિતા’ના અંકમાં છપાવે. અલગ સરનામું આપે, અને અનેક લોકો વખાણ કરતાં પત્રો લખે, ત્યારે પાછો કહે પણ ખરો, કે ‘યાર ! આપણે પુરુષ લેખક કરતાં સ્ત્રી લેખિકા બન્યાં હોત તો સારું થાત ! એથી કરીને સંપાદકો કે તંત્રીઓનાં સ્ત્રી-દક્ષિણ્ય ભાવના અધિકારી તો બનત ! જો ‘અનિલ’ની રચનાઓ ‘કિંજલે' લખી હોત તો ક્યારનીય મૂલ્યવાન બની હોત. અહીં, એ વાત પણ મારે નોંધવી છે કે, એમનાં પત્ની ઉર્ફ ‘શોભનાભાભી’ પણ ક્યારેક ક્યારેક રચનાઓ લખતાં થયાં છે. એટલે ‘અનિલ’ ભાભીને નામે નથી લખતો એ નોંધીએ.

   અનિલે જીવનમાં ખૂ....બ સંઘર્ષ કર્યો છે, વેઠ્યું છે તે વ્યક્ત પણ થયું છે. વાંચેલુ-માણેલું- જાણેલું પણ વ્યક્ત થયું છે. એ અન્યની કવિતાને મૂળથી માણે છે. લખવા જેવું લાગે તો અવશ્ય લખે....

   આ એમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થાય છે ત્યારે નવકવિઓમાં હોય એવી કેટલીક મર્યાદાઓ એમની કવિતાઓમાં પણ હોય, એ સ્વાભાવિક છે. પણ, એણે ઘણી વખત ‘મર્યાદા’ને પણ કાવ્યપ્રયુક્તિ લેખે પ્રયોજી છે એ બાબતથી સાચવવું. ગીતોમાં તો એ એક જ ગીતમાં પ્રયોગાત્મક અભિગમથી આઠ લયભંગ કરી. ‘કાનને કર્કશતાની ઠેસ વાગે એનો આનંદ પણ જુદો હોય છે' એમ કહે જે વાત મિત્રોને (અને એય મારા જેવાં અમુકને જ) કરે. બાકી તો, ભાગ્યે જ કેફિયત આપે. અનિલને પોતાની મર્યાદાઓનીય ખબર હોય છે એ વાત મને આનંદ આપે છે. પણ, સાહિત્યને આજે આ સંગ્રહ નિમિત્તે એક અનોખો અનિલ પ્રાપ્ત થાય છે. ‘અનિલ’ નામેરી આ અંગત ખાતાની શક્યતા અને સંભાવનાઓ નક્કર વાસ્તવમાં પરિણમશે એવો મને પૂરો વિશ્વાસ છે. સર્વ શુભેચ્છાઓ સહ...
-હરદ્વાર ગોસ્વામી


0 comments


Leave comment