૫૭ હવાઓ ફર્યા કરે… / રમેશ પારેખ


તુજ યાદ મનમાં એમ હવે તરવર્યા કરે
વેરાન ઘરમાં જેમ હવાઓ ફર્યા કરે

ચાલ્યા ગયા સમયની ખરી ગઈ છે કોઈ ક્ષણ
રહી રહી તે પાંપણોમાં હવે પાંગર્યા કરે

તારી વિદાય સાથે પવન પણ પડી ગયો
મનનું ઉદાસ વહાણ કિનારે તર્યા કરે

રેખાઓ સર્પ થઈને વીંટાઈ છે હાથમાં
સારા દિવસ નજીક નીકળતાં ડર્યા કરે

નક્કી ડસ્યું છે લોકને ખાલીપણાનું ભાન
ધુમ્મસથી હાથ નેત્ર વિચારો ભર્યા કરે.