9 - ભાગ – ૯ / એન્જોયગ્રાફી / રતિલાલ બોરીસાગર


   બીજે દિવસે મેં દર્દી તરીકે એપોલો હોસ્પિટલમાં પ્રવેશ કર્યો. હૉસ્પિટલમાં પહોંચી અમે અમારો સામાન રિસેપ્શન રૂમમાં મૂક્યો કે તરત જ હોસ્પિટલનો વૉર્ડ બોય હાજર થઈ ગયો. સામાન ઝાઝો હતો એટલે થોડો મારા ભાઈએ લેવા માંડ્યો. પેલો તરત જ બૂમ પાડી ઊઠ્યો, “યુ પેશન્ટ, નોટ ટેઈક.” અને પછી મને પૃથ્વીવલ્લભની પેઠે નિશ્ચલ ઊભેલો જોઈ સહેજ નારાજગીથી કહે, “યુ એટેન્ડન્ટ, યુ ટેઈક.” મારા ને મારા ભાઈમાં ખરેખર એ દર્દી જેવા લાગતા હતા ને હું જોડે આવ્યો હોઉં એવી જ છાપ પડે તેમ હતું એટલે પેલાની ગેરસમજ તદ્દન વાજબી હતી. મેં એને સમજ પાડી કે “આઈ પેશન્ટ, હી એટેન્ડન્ટ” ત્યારે એ આશ્ચર્યથી અમારી બંનેની સામે જોઈ રહ્યો. મારી વાત એને ગળે ઊતરી હોય એવું લાગ્યું નહીં. પણ મારા ભાઈએ મારા કથનનો વિરોધ ન કર્યો એટલે એ સામાન લઈને ચાલવા માંડ્યો.

   વિશાળ મહાલય જેવી એ હોસ્પિટલના રૂમ નંબર ૪૬૮માં મને પ્રવેશ અપાયો. ભવ્ય અને વાતાનુકૂલિત ખંડમાં તો હું આજ સુધીમાં કોઈની ખબર કાઢવાય નહોતો ગયો. પૂર્વજન્મે કોઈ રાજવી ઠાઠ માણવાનો બાકી રહી ગયો હોય ને આ જન્મે એ યોગ પૂરો થવાનો હોય એવું લાગતું હતું. હું રોમાંચિત થઈ ઊઠ્યો. ફોમના ગાદલાવાળા પલંગમાં હું સૂતો કે એક વાર તો મારાથી એકદમ બેઠાં થઈ જવાયું. મારા ભાઈ એકદમ ગભરાઈ ગયા ને પૂછવા લાગ્યા, “શું થાય છે?”

   “હુમાયુએ પેલા ભિસ્તીને એક દિવસનું રાજ્ય આપ્યું ત્યારે એને જેવું થયું હશે એવું થાય છે.” મેં હસીને કહ્યું.

   કવિ હસમુખ પાઠકે એક મુક્તક લખ્યું છે. એની પંક્તિઓ છે :
આટલાં ફૂલો નીચે ને, આટલો લાંબો સમય
ગાંધી કદી સૂતો ન’તો.
   મને પણ એક (અ) કાવ્ય સ્કુર્યું :
આટલા મૃદુ ગાદલા ઉપર ને, આટલો લાંબો સમય
સાગર કદી સૂતો ન’તો.
   ગાંધીજી સાથેની મારી તુલના કેટલાંકને અકારણ લાગવા સંભવ છે. પણ એ છેક અકારણ નથી. ગાંધીજીની જેમ મેં પણ જિંદગીભર અગવડો ભોગવી છે-અલબત્ત, ગાંધીજીએ સ્વેછાએ અને મેં નાછૂટકે અગવડો ભોગવી છે એવો નાનકડો તફાવત છે ખરો, પણ તેથી ગાંધીજી સાથે મારી તુલના કરવાનું ગેરવાજબી ઠરતું નથી એમ હું માનું છું.

   હજુ તો પલંગ પર હું સૂતો જ હતો ત્યાં નર્સ આવી. હું બાદશાહીથી પલંગ પર પોઢ્યો હતો. મારા મોટા ભાઈ બાજુમાં મૂકેલા સોફા પર બેઠા હતા. નર્સ સહેજ કડકાઈથી મને કહ્યું, “ધીસ ઈઝ ફૉર પેશન્ટ, નોટ ફોર અટેન્ડન્ટ.” અને પછી મારા ભાઈને ઉદ્દેશીને કહે, ‘સર, યુ, નોટ અટેન્ડન્ટ” મેં કહ્યું, “ ‘સિસ્ટર, આઈ એમ પેશન્ટ, હી ઈઝ અટેન્ડન્ટ.” આ સાંભળી પેલા વૉર્ડ બોંયને થયું હતું એનાથી પણ વધુ આશ્ચર્ય નર્સને થયું. મારા ભાઈની તુલનામાં ઘણો હૃષ્ટપુષ્ટ લાગતો હું દર્દી હોઉં એમ માનતાં એ ભગિનીને ઘણી મુશ્કેલી પડી. એના ગયા પછી મેં મારા ભાઈને કહ્યું, “"આપણે સાવધ નહીં રહીએ તો આ લોકો તમારી એન્જ્યોગ્રાફી કરી નાખશે." પછી એક સરકારી હૉસ્પિટલમાં બનેલી કહેવાતી કથા મેં એમને કહી : એક મોટી સરકારી હૉસ્પિટલમાં દાખલ થયેલા દર્દીને બીડીની તલપ લાગી એટલે એ સાથે આવેલા પોતાના સંબંધીને ખાટલામાં બેસાડી બોડી પીવા બહાર ગયો. બે કલાક પછી એનું ઓપરેશન હતું. પણ કાર્યક્રમમાં કંઈક ફેરફાર થયો અને એનું ઓપરેશન વહેલું ગોઠવાયું. હોસ્પિટલના સ્ટાફે દર્દીની પ્રોક્સીમાં બેઠેલા એના સગાને ઉઠાવ્યો. પેલો ચીસો પાડવા માંડ્યો: 'હું નહીં, હું નહીં.” - પણ સ્ટાફવાળા સમજ્યા કે ઓપરેશનની બીકને કારણે ના પાડે છે. એટલે એમણે તો બળપૂર્વક એને સ્ટ્રેચરમાં નાખ્યો. પેલો ઊભો થવા માટે તરફડિયાં મારવા લાગ્યો એટલે સ્ટાફવાળાનો વહેમ વધુ પાકો થયો. એક જણ બેત્રણ ગુરખાને બોલાવી લાવ્યો. પેલો ‘હું નહીં, હું નહીં’ કરતો રહ્યો ને છેક ઓપરેશન થિયેટર સુધી એને ઉપાડી ગયા. એટલું સારું હતું કે અંદર કોઈનું ઓપરેશન ચાલતું હતું એટલે એને બહાર રાખ્યો. એટલામાં મૂળ દર્દી આવી ગયો ને સમજ પાડી કે પોતે દર્દી છે અને જેને દર્દી સમજવામાં આવી રહ્યો છે તે પોતાનો સંબંધી છે. એટલે પેલાનો છુટકારો થયો - નહીંતર એ દિવસે નક્કી એનું ઓપરેશન થઈ ગયું હોત ! આ કથા સાંભળી મારા ભાઈ કહે, “આ તો એકદમ સિસ્ટમેટિક હોસ્પિટલ છે એટલે આપણે એવી બીક રાખવાની જરૂર નથી; છતાં સાવધ તો રહીશું જ.”
* * * * *
   થોડી વારમાં બીજી એક નર્સ આવી. એણે કહ્યું, “તમે રોજ લેતા હો એ દવાઓ આપો એટલે હું તમને આપી દઉં." હું જાતે દવા ન લઈ શકું એટલો અશક્ત નહોતો - ઘેર હું જાતે જ દવા લેતો હતો. એટલે મેં કહ્યું, "તમે તસ્દી શા માટે લો છો? હું જાતે જ દવા પી લઈશ." આવા શિષ્ટાચાર બદલ મને નમ્ર ગણવાને બદલે દવા પીવામાં અખાડા કરી, ખાડા પાડવાવાળા દર્દીઓમાંનો હું એક છું એમ સમજી એણે સહેજ કડક અવાજે કહ્યું, "ના, ત્રણેય સમય હું જ તમને દવા આપીશ." આમ કહી, એણે દવા તથા પાણી મારા હાથમાં આપ્યાં. હું દવા પી ગયો. માંદા તો મહાન સિકંદર, સમ્રાટ ચંદ્રગુપ્ત કે સમ્રાટ અકબ પણ પડ્યા જ હશે. એમની ખિદમતમાં અનેક સેવકો પણ હશે. પરંતુ આવા એરકંડીશન્ડ રૂમમાં ફોમના ગાદલાવાળા પલગ પર તકિયાને અઢેલીને બેઠાંબેઠાં પરિચારિકાના કોમળ કોમળ કરથી દવા પીવાનું એમનાં નસીબમાં નહોતું જ નહોતું એ વિચારે મને એમની દયા આવી. આ રૂમનું રોજનું ભાડું ત્રણસો રૂપિયા હતું - નહીંતર આવા શાહી ઠાઠમાં ચાર-છ માસ રહેવાનું મને ચોક્કસ ગમત.

   એ નર્સ ગઈ ને તરત જ બીજી બે નર્સ આવી. આ હોસ્પિટલ જાણે વ્રજભૂમિ હોય એમ અહીં અત્ર-તત્ર-સર્વત્ર ગોપીઓ જ દેખાતી હતી ! આટલી બધી ગોપીઓ વચ્ચે મારું શું થશે એની મને ફિકર થવા લાગી. એકે મારા મોંમાં થરસૉમિટર મૂકી મારું ટેમ્પરેચર માપ્યું. બીજી બાલિકાએ બ્લડપ્રેશર માપવા મારે હાથે પટ્ટો બાંધ્યો. આજ સુધીની ટ્રીટમેન્ટમાં મારા ડૉક્ટરે અનેક વાર મારું બ્લડપ્રેશર માપ્યું હતું. પરંતુ કોઈ મહિલા મારું બ્લડપ્રેશર માપતી હોય એવી આ પ્રથમ (દૂર્) ઘટના હતી. ગભરાતને કારણે મારું બ્લડપ્રેશર વધી જશે એવી મને બીક લાગી – અને એમ જ થયું. ૮૦-૧૨૦ને બદલે ૮૦-૧૩૦ બ્લડપ્રેશર થયું. જોકે એ ખાસ વધુ ન કહેવાય એમ નર્સે કહ્યું એટલે મેં નિરાંતનો શ્વાસ લીધો.
(ક્રમશ...)


1 comments

ChandniBudhdhadev

ChandniBudhdhadev

Dec 27, 2017 05:23:47 PM

good

0 Like


Leave comment