2 - પ્રારંભિક / અસ્તી / શ્રીકાન્ત શાહ


મારા જીવન સાથે સંકળાયેલા મૃત્યુના એક એક કણને, અંશને હું સતત અળગા કરવાને પ્રયત્ન કરું છું. મારા જીવનમાં ઊંડે ઉતરી ગયેલા મારા વીષાદો, વીહવલતાઓ, આનંદો, મારી ક્ષુબ્ધતા, મારી વાસ્તવીકતા એ બધું જ મારા મૃત્યુ સાથે સતત સંપર્કમાં રહી પલે પલે મારું જીવન ઘડી રહ્યું છે. એટલે મારૂ આંતરીક સતત સંઘર્ષમય રહ્યા કરે છે. એટલે જ મારો સંઘર્ષ મારામાં નીહીત રહેલા મૃત્યુ સાથે એક સેતુબંધ રચી રહ્યો છે.

ના ! હું મારા સર્જન વીષે કશું કહેવા માંગતો નથી. હું તો માત્ર મારી પરીચીતતાના કોચલાંને બાઝી પડેલી સુષુપ્તીને, મૃત્યુને, તેના વીસંવાદને, મારા નીસંગ એકાન્તના કુતુહલ દ્વારા વ્યક્ત કરવાનો પ્રયત્ન કરુ છું. મારા ચીત્તમાં સંગ્રહાયેલી યુગો જુની અનીશ્ચીતતા-જે માનવીય સંદર્ભની નીપજ છે- તેને સર્જનના સંવીધાન દ્વારા પામવાનો પ્રયત્ન કરુ છું. મારુ વીશ્વ તો શક્યતાઓનું-અનીશ્ચીતતાઓનું વીશ્વ છે.

એટલે પડછાયા ભીંત પર હલે છે.
હું ધ્રુજી ઉઠું છું.
અને અમે બંને એક જ વ્યથાના સુત્રે બંધાઈ જઈએ છીએ.


0 comments


Leave comment