1 - પ્રકરણ ૧ / અસ્તી / શ્રીકાન્ત શાહ


   તેણે ગલીનો વળાંક પસાર કર્યો.
   અને થોડીવાર ઉભા રહી સામેની દુકાનના ફુગાઈ ગયેલા બારણા તરફ નજર કરી. બરાબર બંધ થયેલા બારણાં વચ્ચેની તીરાડ તેને બીહામણી ભાસી. બાજુની જ દુકાનનો અરીસો અવાર-નવાર ઉડતા પાનનાં છાંટાથી ગંદો બન્યો હતો. છતાં દરજીની દુકાનનો કાપી કાઢેલો એક કટકો તેમાં દેખાતો હતો. સતત ફરતાં ગોળ પૈડાંની આરપાર તેને બે પગ હાલતા દેખાયા પગની પેનીના ત્રાંસા વળાંક ઉપર ઝળુંબી રહેલો કપડાંનો કટકો ધારદાર કીરપાણ જેવો લાગ્યો. અને પીંડીના સ્નાયુઓની તંગ સ્થીતીમાં એક ઘરાક વચ્ચે આવ્યો. અરીસાની સફેદ સપાટીને તેણે મીલના રજકણોથી કાળા પડેલા કોટથી ઢાંકી દીધી.

   ઘોડાગાડી પસાર થઈ. ગોળ ફરતું પૈડું ઝડપથી પસાર ન થઈ જાય એ માટે તેણે દ્રષ્ટીને આરાઓની વચ્ચે ઘોંચી. ઉંચા નીચા થતા પગ ન હોવાને કારણે પૈડું ખેંચાતું-ફંગોળાતું ઝડપથી દોડી ગયું.

   અરીસા પાસે ઉભા રહેલા માણસે ગજવામાંથી કશું કાઢ્યું. પાછળ સુધી સીધા હોળાયેલા વાળ અને ઉંચકાયેલા હાથ તેના કુટુંબની સહીસલામતી માગતા હોય તેમ હવામાં થોડીવાર સુધી ઝૂમ્યા. આ વર્ષ દરમ્યાન તેના કુટુંબમાં કોઈનું યે મૃત્યુ થયું નથી એવી સાવધાની લઈ તેણે બેપરવાઈથી પોતાનું બેહુદું કાર્ય પુરું કર્યું.

   બાજુના જ ખુણામાં સુર્યના નમતા તાપના આશ્રયે દીવાલને અઢેલી એક કુતરાની નીંદ્રા આરામ માણી રહી હતી. દુકાનોની ઉપરના બીજા માળથી એક છોકરાએ હાથ લાંબા કરી તારની આસપાસ વીંટળાયેલા દોરને ખેંચ્યો. બીજા માળના લાકડાના તોતીંગ કઠોડા વજનથી નમી પડી શેરીને વધારે સાંકડી બનાવતા હતા તેથી તેણે ઉપર જેવાનું માંડી વાળ્યું.

   ચપટાં મોઢાંવાળી બે સ્ત્રીઓ શાકની થેલી લઈ બાજુમાંથી પસાર થઈ. આ બંનેમાંથી કોઈને પણ પુત્ર તે બની શક્યો હોત એ વીચાર તેને આનંદ થયો, અને શેરીના આ ભરચક સમુદાય વચ્ચે આંખો બંધ કરી માર્ગ કરતા કરતા છેવાડે આવેલા ઘર સુધી પહોંચી જવાની કલ્પનાને વાગોળતો તે ફુટપાથની કોર પાસેથી ખસી આવી બે દુકાનો વચ્ચેની ખાલી દીવાલની સોડમાં ઉભો રહ્યો. અચીંતો તેને ગર્વ થયો કે તેને પોતાની માલીકીનું એક રસોડું છે. ઉંચી અભરાઈ પર પડેલા ડબ્બામાં આજની રસોઈ અકબંધ પડી હશે અને પાડોશીએ લઈ રાખેલા દુધનો સફેદ રંગ અકબંધ રહ્યો હશે. જન્મેલા ગર્વને ટકાવી રાખવા તેને પ્રયત્ન કરવો પડ્યો.
(ક્રમશ.....)


0 comments


Leave comment