2 - પ્રકરણ ૨ / અસ્તી / શ્રીકાન્ત શાહ


   એક છોકરી પસાર થઈ.
   સ્કર્ટમાંથી નીચે લટકતા તેના માંસ વગરના પગને તે જોઈ રહ્યો. બ્લાઉઝની છાતી ઉપર પીળી તુઈ ભરી કોઈ ભાત ઉપજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યાંથી નજર ફેરવી તે તુઈ ને હજુ ચોંટી રહેલા ધરડા હાથો તરફ તેણે જોયું. ચાલીસેક વર્ષની બેડોળ સ્ત્રી. કેડ નીચે અવ્યવસ્થીત રીતે ચોંટાડેલો સાડલો. પગના તળીયામાં પડેલા કાળા કાપા-જે શીયાળામાં કવતા હશે ત્યારે છોકરાઓને સ્તનપાન કરાવતાં નવરાશ મેળવી થોડીવાર ડાબો હાથ તેને ખણી લેતો હશે અને સ્તનપાન કરાવવાના આનંદ કરતાં પણ સવીશેષ આનંદ આ ક્રીયાથી મેળવાતો હશે. અને એ જ ડાબા હાથે મેળવેલા આનંદ ઉપર જીવનનો બધો મદાર બાંધી તે જીવતી હશે. એકાદવાર સ્તનપાનથી સરકી પડેલું દુધનું એક પીળું પીપુ કાપાઓના ઉડાણમાં બાષ્પ બનતું હશે અને એ બાષ્પ એક કાળી ભેંસ ઉપર વાદળું બની વરસ્યા કરતી હશે.

   સામેની દુકાનની તીરાડ મડદુ થઈ પડેલા માણસની ઉધાડી મોં-ફાડ બની. અને તેમાં ગરમાળાનું આખુ વૃક્ષ ઉગી નીકળ્યું.

   આ આખી યે શેરી જીવતી હતી. આવતા જતાં બધા જ માણસો જીવનને પોતાની સાથે ફેરવતા હતા. તેમના મોઢાં ઉપરની હતાશા,દૈન્ય, તીરસ્કાર અને ભીતી એ બધું તેમણે જીવનની અનેકવીધ આંટીઘુંટી ઉકેલતા ઉકેલતા મેળવેલું ઐશ્વર્ય હતું. તેમના પહોળા થયેલા નાક, અર્ધબીડાયલી આંખો કે વારંવાર બીડાઈ જતી આંખોની ઉપસી આવેલી રક્તવાહીનીઓ, કપાળ ઉપરના મેલના થર, હડપચી ઉપર પડેલા અનેક કાપા, કાળા મોટા સુજી આવેલા હોઠ, આ બધી તેમની નીજી સંપત્તી હતી. આ સંપત્તી લઈ તેઓ બધા જીવન સાથે આપ-લેનો વ્યાપાર કરવા પ્રવૃત્ત બન્યા હતા. હંમેશા હંમેશા તેઓ પ્રવૃત્તીમાં મચ્યા રહેતા. તેમની દોટ, ઘર, આંગણું, સામેનું મકાન, રાજમાર્ગ, બધું પસાર કરતી કરતી આગળ ચાલી જતી. તેઓ ક્યાંય થોભતા નહીં. ક્યાંય વીચારતા નહીં.

   તેણે આ બધાંની અવહેલના કરવા મુક્કીને સખત રીતે બીડી. કોટ ખભા ઉપરથી નીચે સુધી સરકી આવ્યો. બેઉ હાથે તેને પકડી ફરી ખભા પર ગોઠવ્યો. ખીસ્સા-પર પડેલા શાહીના મોટા ડાધાને આંગળી ઘસી. આ શાહીનો ડાઘ એ તેની પોતાની નીજી સંપત્તી હતી. જીવવાની મથામણ કરતાં કરતાં તેને મળેલી આ સમૃદ્ધી હતી. આ ડાધ, તેના જીવનનું-મથામણુનું- કાર્યનું અને તેના અસ્તીત્વનું પ્રતીક હતો. આ પ્રતીકને જ આગળ ધરી રાખી અને તેની પડછે તેના સમગ્ર દેહ-મનને છુપાવી દઈ તે આટલા વર્ષ જીવ્યો હતો. આટલાં વર્ષ સુધી કોટ ઉપર પડેલા ડાઘને આગળ ધરી રાખી તે જીવી શક્યો, આટલા વર્ષ સુધી ટેબલની ખરબચડી સપાટી ઉપર ખુરસીની પીઠને અઢેલ્યા વગર ઝુકી રહી, તે જીવી શક્યો તેનું તેને આશ્રર્ય ન થયું. આ બધુ તેને સ્વાભાવીક લાગ્યું. આ બધાંની પાછળ રહેલી કઢંગી પરીસ્થીતીને તે જાણી શક્યો હતો, આ બધાની પાછળ રહેલા અપ્રતીકારાત્મક સંદર્ભને તે ઓળખી શકયો હતો.

   સામે રહેલા દુકાનોના હારબંધ પોલા બાંકાઓ તરફ તેણે જેયું. એક એક બાંકામાંથી ફેંકાતો અવાવરુ પ્રકાશ શેરીને વધારે કઢંગી બનાવતો હતો. ઠેર-ઠેર ઉખડી ગયેલા ડામરના ઉબળ ખાબળ રસ્તાએ ઉપર કેટલાયે પગોની ત્વરીત પરંપરા ચાલી જતી હતી. એક એક બાંકું પ્રકાશને ફેકી શેરીના જીર્ણ, રસ્તાનું દારીદ્રય વધારે પ્રગટ કરવાનો પ્રયત્ન કરતું હતું. હાલતા-ચાલતા પગો વચ્ચે અટવાતો પ્રકાશ કઠોર થયેલા પગના સ્નાયુઓને વધારે ખરાબ રીતે વ્યક્ત કરતો હતો. અને મરડાઈ ગયેલા આંગળાઓના વધેલા નખને ધૃણા ઉપજાવે તેવી રીતે છતા કરતો હતો.

   તેણે જોયા કર્યું.
   તેની નજરમાં ગુસ્સો હતો. તેની ઉચકાયેલી પાંપણોમાં યુગોનો બોજો હતો. તેની દૃષ્ટીમાં વેધકતા હતી-જે પદાર્થોની આરપાર પ્રકાશની મદદ વીના પ્રવેશી તેના અંતસ્તલને સ્પર્શી શકતી હતી.

   એક વીતાશકયંત્રની મદદથી આ પસાર થતા, જીવતા કેટલાયે લોકોને સંહાર કરી શકાય. તેમના અસ્તીત્વનો, તેમના કુટુંબનો, તેમના જીવતા રહેવામાં મદદ કરતા કેટલાયે પરીબળોનો નાશ કરી શકાય. તેમની મુર્ખાઈ બાધાઈ અને-ખસીયાણાંપણાંની પેલે પાર જે હીન હતું તેના અંકુરોને, તેની હવે પછીની પેઢીને, તેની આનુવાંશીકતાને બધાને એક જ પ્રહારથી દુર કરી શકાય. મુર્ખ લોકોના આ સમુદાયથી શેરીની ભીડને ઓછી કરી શકાય. તેમના ગમગીનીભર્યા મકાનોમાં અવાવરુ હવાને ભરી શકાય, તેમની પ્રવૃત જમીનમાં જંગલી અડાબીડ વનસ્પતીને ઉગી નીકળવાની મોકલાશ આપી શકાય. એમના રઝળતા શબોના કહોવાઈ ગયેલા અશ્મીઓ ઉપર કોઈ એકાદ એકકોષી જીવને ચોંટી રહેવાની સવલત આપી શકાય – એવી અનંત સંભવીતતાઓ તરફ તેણે વીચાર કર્યા કર્યો. તેની વીચારપ્રણાલીમાં ઉત્તેજના હતી. દાહકતા હતી. આવેશ હતો.
(ક્રમશ.....)


0 comments


Leave comment