૩૨ કોરી ખંભે પછેડી…. / રમેશ પારેખ


કોરી ખંભે પછેડી માથાબાંધણુંમેલું
મૂછને દીધા આપમેળે તાવ ઊખળે, મારા જીતવા....

રૂપેરી નકશીવાળો તડ દઈને કાલ ટૂટી ગ્યો તણ પેઢીનો હુક્કો
ચોમાસે ઓણ ગઢીની ધાબડી ભીંત્યું ઝીંક ઝીલે તો હાંઉં કે નીકર ભુક્કો
જાતવંતા તોખારની ઘીચોઘીચ ઘોડાર્યે માંખ ઘેરેલું ટાયડું રિયું છેલ્લું....

કોરી ખંભે પછેડી માથાબાંધણું મેલું
મૂછને દીધા આપમેળે તાવ ઊખળે, મારા જીતવા....

ધીંગાણે ધ્રસકાવીને ગામસીમાડા લોહીબંબોળે પંડ્ય અંઘોળેલ પો’ર
આંખ્ખું જઈ ફળિયા લગી ભસ દઈને ઢગલો રોગું આજ ગળેલું ઢોર
બીજવારું કાં ઠકરાણાં બહાર ભાટકે ઉઘાડછોગ એણે અળખામણું મારું ડેલું

કોરી ખંભે પછેડી માથાબાંધણું મેલું
મૂછને દીધા આપમેળે તાવ ઊખળે, મારા જીતવા....