2.2.2 - જયદેવ શુક્લની કવિતાની અભિવ્યક્તિરીતિ / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ


    આગળ ઉપર કહ્યું તેમ જયદેવ શુક્લના મનમાં પહેલાંથી એક વાત નક્કી હતી કે પુરોગામી આધુનિક કવિઓએ લખ્યું એવું નથી લખવું. જેવું હોય તેવું પણ પોતાનું લખવું. આ વિચાર એમની કવિતાની અભિવ્યક્તિરીતિમાં પણ જોઇ શકાય છે. ફિલ્મ, સંગીત,ચિત્ર એમ અનેકવિધ કળાઓના સંદર્ભો અને કલાની રચનાપ્રયુક્તિથી ખૂબ સભાન છે, એ સભાનતા એમના સંગ્રહ પ્રાથમ્ય ની શરૂઆતમાં મૂકાયેલી ‘ગાથા માધુરી’ની પંક્તિઓમાં જોઈ શકાય છે.
"મારો જે જે અંગપ્રદેશ તે અનિમિષ નેત્રે
નિહાળે છે તેને તેને હું ઢાંકી દઉં છું અને તે
સાથે એમ ઇચ્છતી પણ હોઉં છું કે તે મને જુએ."
-અનુવાદ:હરિવલ્લભ ભાયાણી
('પ્રાથમ્ય’)
    કવિતા એ સંગોપનની કળા છે, કવિએ બધું જ કહીં દેવાનું નથી કે પછી ખૂબ દુબોંધ પણ કરી દેવાનું નથી. સંગોપીને બતાવવાનું છે એ કળા સંદર્ભો આ પંક્તિઓમાં જોઈ શકાય છે. માટે જયદેવ શુક્લની કવિતા ભાવક પાસે વિશેષ સજ્જતાની અપેક્ષા રાખે છે. સંગ્રહનું પ્રથમ કાવ્ય “ભેજલ અન્ધકાર"માં રતિ આલેખનને કવિએ શિવાલયના પ્રતીકો દ્વારા સંયોજિત કર્યું છે. શરૂઆતમાં આવતા શિવાલયના ગર્ભગૃહના વાતાવરણ પછી અંતે આવતી પંક્તિઓ:
“નગારાં બજી ઊઠે છે.
આરતી પ્રગટે છે.
બેઠેલો નન્દી ઉછળે છે.
ભેજલ અનધકારમાં
આગિયા રેલાય છે.. "
('પ્રાથમ્ય’ પૃ.૧)
    એ પંક્તિઓમાં રતિ સંદર્ભો ઉપસે છે. તો ‘પરોઢ’ કાવ્યમાં પણ રતિના આલેખન માટે સંગીત અને તાલના સંદર્ભો યોજયા છે.
“ભેરવી - મઢયું પરોઢ
પાંખો ફફડાવતું
ઊડયું !”
    માં આખી રાતનો આનંદોત્સવ અનુભવાય છે. “ધનુષ પરથી સનનન : એક’, ‘ધનુષ પરથી સનનનઃ બે’ રચનાઓમાં પંક્તિઓના આવર્તનો દ્વારા રતિ આલેખનને સંકુલ બનાવ્યું છે.

    રચના પ્રયુક્તિની રીતે પ્રાથમ્ય ની ‘એક લાલ સોનેરી પર્ણ’ રચના તપાસવા જેવી છે. ફિલ્મના માધ્યમની રચનાપ્રયુક્તિનો અહીં જયદેવ શુક્લએ વિનિયોગ કર્યો છે. ફેન્ચ ફિલ્મ દિગદર્શક જ્યાં લુક ગોદારની 'Week End' તથા 'Breathless'ને પ્રથમવાર જોઈને અનુભવેલું સંવેદન આ કાવ્યમાં છે. ફિલ્મમાં જેમ સર્જનની સાથે વચ્ચે વચ્ચે Fadein, હોય છે. દૃશ્યને Cut કરવા સંજ્ઞા વપરાય છે. અથવા તો કેમેરા Close Up થાય છે. આ બધી સંજ્ઞાઓનો વિનિયોગ કાવ્યમાં કર્યો છે. ફિલ્મમાં જેમ ક્રેડીટ ટાઇટલ આવે છે તેમ 'काव्यनु नाम:गोदरने' कवि जयदेव शुकल, काव्य रच्या तारीख और साल , बावीस जून १९८0, आ काव्यफिल्म एप्रिसिओशन कोर्स दरमियान पूणेमां रचायु । જેવી વિગતો આવતી જાય છે. સ્થૂલ રીતે જેના પછી જે રીતે જે લિપિમાં આ વિગતો મૂકાઈ છે.એ પણ કવિની પ્રયુક્તિની પરિચાયક છે. જયદેવ શુક્લ શુદ્ધ કવિતાના આગ્રહી છે. કવિતાને અવાજની નજીક લઈ જવાના પ્રયોગો તાલકાવ્યોમાં થયા છે.
"તાલ
ચાલ ચાલે છે
ચાલ્યા કરે છે લોહીમાં
નગારાની ઢામ્ ઢામ ધડામ્ ઢામ ઢામ તડામ્
મૃદંગના ધાધા દિનતાં કિટધા દિંતા
તબલાંની ધાગે તિરકિટ ધિનનિન ધાગે તિરકિટ ધિનગિન-ની
ચાલથી
રંગાતો રહું
મદમાતો રહું
મદમાતો ફરું...
...કયારેક વર્ષો પર્યન્ત
સમ પર અવાતું જ નથી”
('પ્રાથમ્ય’ પૃ.૩૫)
    રૂપક તાલના વિનિયોગ દ્વારા અહીં કાવ્યરૂપ પામ્યું છે. રૂપક તાલમાં સમ તાલને સ્થાને નહીં પણ ખાલી સ્થાને આવે છે. એટલે ‘ક્યારેક વર્ષો પર્યન્ત સમ પર અવાતું જ નથી’ જેવી પંક્તિઓમાં જીવન સાથે જોડાયેલ રઝળપાટ જોડાય છે. કેમકે વિસામો (સમ)તો આવતો જ નથી. તો એમના બીજા એક તાલ કાવ્યમાં તાલ-સ્વરોને શબ્દ રૂપ આપ્યું છે.
"પતડત તડપત
ચિતવન ચિતવન
ધડકન ધડકન ધા
ધડકન ધડકન ધા
ધડકન ધડકન ધા
શરશર દરશન
દરશન દર્પણ
ચલો મન ચલો મન
સ્તન કર સ્તન કર
ચપલ ચલત મન
ચરત ચપલ તન
ચરત છરત મન
ચપલ ચપલ સ્તન
અધીર અધર ધર
ચિતવન ચિતવન
તનત તનત તન-તા
તનત તનત તન-તા
મમતા મમત મમ-તા”
('પ્રાથમ્ય’ પૃ.૩૮)
   જેવું કાવ્ય એક રચનાપ્રયુક્તિના પ્રયોગલેખે બરોબર છે પણ આજે એ કવિતાની એવી કોઈ ઉપલબ્ધિ નથી. અહીં આપણે સિતાશું મહેતાની ‘હો ચી મિન’ વિશેની કવિતા ને પણ યાદ કરીએ. એ કાવ્યમાં પણ ટેન્કના અવાજને કવિતામાં મૂકવાનો પ્રયત્ન થયો છે એમ અહીં તબલાના તાલ શબ્દોમાં મૂકવાનો પ્રયત્ન થયો છે. છતાં ચન્દ્રકાન્ત ટોપીવાળા કહે છે તેમ “આ કાવ્ય માત્ર ગિમિક બનીને રહી ગયું છે"(ગ્રંથઘટન, ચન્દ્રકાન્ત ટોપીવાળા પ્ર આ. ૧૯૯૪ પૃ. ૧૪૧)

   કવિની રંગ-રેખા અને ચિત્રકળાની સમજને વ્યકત કરતા કાવ્ય તરીકે “વૈશાખઃબે’ ધ્યાનપાત્ર છે.
“લીમડા પર હસતો લીલો
આંબા પર ઢોળાયેલો વેરાયેલો ખાટો લીલો
ખેતરમાં ઊડતો સૂક્કો તપખિરિયો કાળો
ભેંસના શરીર પરથી રેલાતો ખરબચડો કાળો
ગરમાળાનાં ઝુમ્મરોમાં ખીલખીલાટ સળગતો પીળો
શિરીષની ડાળ પર ઝૂલતો સુવાસિત નાજુક લીલો
રાફડામાંથી ડંખ મારતો ઝેરી કાળો કાળો"
('પ્રાથમ્ય’ પૃ.૧૯)
    અહીં રંગની સાથે આવતાં કલ્પનો પણ નવીન છે. ‘ખરબચડો કાળો’, ‘ખાટો લીલો’, ‘હસતો લીલો’,‘સળગતો પીળો’, ‘નાજુક લીલો’, ‘ઝેરી કાળો’ માં રંગ સાથે જોડાતાં વિશેષણ રંગના ટેકસચરને ઉપસાવી આપે છે.

    ‘ગુલામ મોહમ્મદશેખે ન કરેલું એક ચિત્ર’ કાવ્યમાં પણ આવતા ઇન્દ્રિયગ્રાહ્ય કલ્પનો અને પુરાકલ્પનોનાસંદર્ભોથી સંકુલ બલકે દુબોંધતા સુધી પહોંચે છે.

    ‘તાળું’ રચના પણ છત્રીસ વર્ષ સુધી મનની અંદર ભીતર રહેલી સંવેદનાઓનું પ્રતીક બને છે.
"તાળું,
ઉપર તાળું.
વળી તાળા ઉપર તાળું.
આમ તાળાં મારવાથી શું વળે ?
શું મળે ?
છતાંય ફેલાતું જાય છે તાળું .
ઘરને તાળું.
કબાટને તાળું.
કબાટમાંના લોકરને તાળું.”
('પ્રાથમ્ય’ પૃ.૫૧)
    મનની અંદરના બંધ દરવાજા આટલા વર્ષે પણ બંધ છે ને કશુંક છૂટવા મથે પણ છૂટી શકતું નથી એ વિડંબના પણ તાળાંના પ્રતીક દ્વારા વિડંબન પામી છે.

    “અંધારું” કાવ્યમાં પણ કવિ પુનરાવર્તનો દ્વારા અને કલ્પનો દ્વારા અંધારાનાં રૂપોને આલેખે છે.
“અન્ધારાને કોણ જુએ છે ?
અંધારાને કોણ સૂંઘે છે ?
અંધારાને કોણ ચૂવે છે ?"
    અહીં આવતાં કલ્પનો અંધારાને સંદર્ભે કવિ સંવેદનને નવું રૂપ આપે છે.પણ આખી રચના કલ્પન શ્રેણીથી વધુ આગળ વધતી નથી. જયદેવ શુક્લની અગ્રંથસ્થ કવિતાઓમાંની એક “ત્રણ પૃથ્વીકાવ્યો’ પણ રચના પ્રયુક્તિની દૃષ્ટિએ જોઈએઃ
“ગ્રીષ્મના
તોતિંગ તડકામાં
પૃથ્વીનો
આ નાનકો દાણો
ધાણીની જેમ
ફેટે તો ?”
***
"ડાબા હાથની
વચલી આંગળીને
પાછળ ખેંચી
ટેરવેથી
આ પૃથ્વીની લખોટી
છોડું..
ચંદ્ર
જો ટિચાય તો ?”
***
“પૃથ્વીના
ગબડતા
આ દડાને
ડાબે પગે
તસતસતી કીક મારું.....
અધવચ્ચે
સૂર્ય
ઝીલી લે તો ?” (શબ્દસૃષ્ટિ)
    અહીં પૃથ્વીને પહેલીવાર આ રીતે જોવાઇ છે. વળી કાવ્યાન્ત આવતો ‘તો’ એ પ્રશ્નાર્થ ચિહન દ્વારા કવિકલ્પના છે એમ પણ સૂચવી જાય છે. તો દાણો, લખોટી અને દડો એમ પૃથ્વીનું વિસ્તરતું કદ પણ એની અસીમતા સૂચવે છે.

    જયદેવ શુક્લની કવિતામાં અભિવ્યક્તિરીતિ સંદર્ભે આવતા કલાકીય આલેખનોની વિશેષતા તરફ ધ્યાન દોરતા રાજેશ પંડ્યા લખે છે:- “જયદેવ શુક્લની કવિતામાં આવતા સંગીત, સિનેમા કે ચિત્રના સંદર્ભો માત્ર દેખાડા રૂપ નથી કે કશુંક અવનવું કરવાના મોહનું પરિણામ પણ નથી. બલકે, આ બધી કળાઓ સાથે કવિનો સંબંધ કેટલો જીવંત અને પ્રામાણિક છે તથા કાવ્યમાં તેનો વિનિયોગ કરવાની કેવી સર્જનાત્મક મથામણ છે તેનો જ પરિચય આપણને થાય છે." (‘શબ્દસૃષ્ટિ,” જુલાઈ:૨૦૧૨ પૃ. ૬૫)

    આમ કવિતામાં આવતા પ્રાસ, પુનરાર્વતનો અન્ય કળાઓની રચનાપ્રયુક્તિઓ એમ અનેકવિધ રીતે જોતાં જયદેવ શુક્લની કવિતા એમના સમકાલીન આધુનિકોત્તર કવિઓની કવિતા કરતાં અભિવ્યક્તિની એક નિજી અને નોખી ભાત રચે છે.


0 comments


Leave comment