૭૨ આંખો મીંચી દઉં તો… / રમેશ પારેખ


આંખો મીંચી દઉં તો સ્વપ્ન બહાર રહી જશે
પાંપણની માથે વેદનાનો ભાર રહી જશે

ચાલો હવાઓ, ખેરીએ પર્ણો પીળાં – પીળાં
નહીં તો સમયથી કામ છે, તકરાર રહી જશે

વિહંગને તો માળો મળી જાશે સાંજના
પણ બહાર નભનો ઘૂમતો વિસ્તાર રહી જશે

ઊડી જશે લીલાશ તો પર્ણો નહીં રહે
વૃક્ષે તો માત્ર પર્ણના આકાર રહી જશે

આપ્યો છે લઈને પાછો સમયને દરેક શ્વાસ
એનો, છતાં ય મારા પર ઉપકાર રહી જશે

તારી વિદાય જેમ સૂરજ આથમી જશે
મારી ઉદાસ આંખ – શો અંધાર રહી જશે.