3 - પ્રશસ્થ સાહસ / અંતિમ યુદ્ધ / સતીસ વ્યાસ


   ધ્વનિલ પારેખે એમની પીએચ.ડી.ની પદવી માટે મહાભારત પર આધારિત નાટકોમાં ‘મિથ’ (પુરાકલ્પન)નો અભ્યાસ કર્યો. આ અભ્યાસે એમને મહાભારતમાંથી પસાર થવાની અમૂલ્ય તક સંપડાવી. પીએચ.ડી. માટેનું અધ્યયન અનેક બાય પ્રોડક્ટસ ઊભી કરી આપનારું નીવડતું હોય છે અને એમાંય અધ્યેતા સર્જકત્વ ધરાવતો હોય તો તો પૂછવું જ શું ? ધ્વનિલ પારેખને સાહિત્યપ્રીતિનો વારસો મળ્યો છે. પિતા રવીન્દ્ર પારેખ પણ પુરાકલ્પનસામગ્રી પર ઠીક ઠીક કામ કરી ચૂક્યા છે. એમની કવિતા સર્જનપ્રવૃત્તિ પણ ધ્વનિલને ફળી છે. ધ્વનિલે કાવ્યનાં ગઝલ અને ગઝલેતર સ્વરૂપો પણ ખેડ્યાં છે. એમને સ્થિર થવું છે નાટકમાં. સૂરતની નાટ્યસ્પર્ધાઓમાં એમનું એકાદ નાટક તો પ્રતિવર્ષ ભજવાતું જ હોય. ક્યારેક તો એ સ્પર્ધા માટે ખાસ નવું નાટક લખે. એના નટમંડળ સાથે એણે સઘન નાતો ઊભો કર્યો છે અને આથી ભજવણીને ધ્યાનમાં રાખીને જ એ નાટ્યલેખન કરે છે. આથી એમનાં નાટકોમાં પ્રસ્તુતિના પ્રશ્નો ઝાઝા નડતા નથી. નાટ્યસર્જન માટેની પ્રારંભિક તૈયારીઓ અને સામગ્રી ધ્વનિલ પાસે પૂરતા પ્રમાણમાં હોઈ કેટલેક અંશે એમનું કામ સરળ બને છે.
 
   પણ આ સરળતા ભ્રામક નીવડવાનો પૂરતો સંભવ નાટક જેવા પ્રકારમાં રહેલો છે. નાટક લખવું જેવું તેવું કામ નથી જ. એમાંય પુરાકલ્પન આધારિત નાટક તો પૂરો પડકાર છે. એ ખ્યાત કથાનકમાં અર્થઘટનનું, પ્રસ્તુતતાનું ગાબડું પાડવાનું હોય છે. ભાષાનું એક નોખું સ્તર રચવાનું હોય છે. એ સમયનો માહોલ વર્તમાનમાં પ્રતીતિકરતા સાથે ઊભો કરવાનો હોય છે. એમાંય જો 'મિથિકાલિટી’ જ માત્ર ઊભી કરવાની હોય તો તો ઘણું ઘણું મથવું પડે. મતલબની અહીં ‘અંતિમ યુદ્ધ’માં તો ધ્વનિલે માત્ર થોડાં ‘ડેવિએશન્સ’ જ ઊભાં કર્યા છે. મૂળ કથા અને પાત્રો અકબંધ રાખ્યાં છે. આવા વળાંકો ઊભા કરવામાંય જોખમો પાર વિનાનાં હોય છે, પણ સર્જનસાહસ તો જોખમમાં નાખે જ. એ જોખમ ઊભાંય કરે અને એમાંથી પાર નીકળવાના રસ્તાઓય ખોજે આ સાત કોઠાનું યુદ્ધ છે અને ઘણા અભિ-મન્યુઓએ એને પાર પાડવા સદીઓથી મથામણો કરી છે. ધ્વનિલની આ મથામણ પણ એ દિશાનો એક નોંધપાત્ર પ્રયાસ છે.

   નાટક ભીષ્મની બાહરી અને ભીતરી સંઘર્ષવ્યથાને તાકે છે. ભીષ્મ તો મહાનાયક છે. ભીષ્મને નાયક તરીકે પસંદ કરીને ધ્વનિલે પ્રારંભિક કોઠો તો પાર કરી દીધો છે. નિદ્રાચ્યુત થયેલા ભીષ્મને ‘હસ્તિનાપુરનો સૂર્ય આથમવાની તૈયારી’ કરતો દેખાય છે એ જ સમયે ભીષ્મનાં માતા ગંગા પ્રવેશે છે. માતા-પુત્ર વચ્ચેના આ સંવાદોમાંથી વાત્સલ્યજન્ય સંવેદનાઓનું આર્દ્ર વાતાવરણ બંધાય છે. ગંગા તો માને જ છે કે ભીષ્મ યુધિષ્ઠિરને પક્ષે લડવું જોઈતું હતું. ભીષ્મ માને છે કે પોતે ધર્મને પક્ષે જ છે. હસ્તિનાપુરના રાજસિંહાસનને વફાદાર રહેવાની એની પ્રતિજ્ઞા છે અને આથી જ એ દુર્યોધનના પક્ષે રહ્યા છે. ભીષ્મના કાર્યને ‘જસ્ટિફાય’ કરવા આ સંવાદો અનિવાર્ય હતા. ગંગાના ચિત્તનું સમાધાન થતું નથી અને એ તો આમ કરવામાં ‘કેવળ અધર્મ છે, કેવળ અધર્મ’ કહી જતાં રહે છે અને દૃશ્યાન્તેમાત્ર એ શબ્દો જ પડઘાય છે. દૃશ્યસમાપ્તિની આ પ્રયુક્તિ પ્રભાવક બની રહે છે.

   બીજું દૃશ્ય ‘ફ્લેશબેક’નું છે. ભીષ્મે લીધેલી પ્રતિજ્ઞાનો એમાં સંદર્ભ છે. દાશરાજ અને દેવવ્રત વચ્ચેના સંવાદો એ પ્રતિજ્ઞાની પાશ્વભૂમિકા રચે છે. અહીં ભીષ્મને સ્થાને દેવવ્રત શબ્દ સહેતુક પ્રયોજાયો છે. દેવવ્રતનું કાળક્રમે ભીષ્મ થવું એક પ્રક્રિયાનો ભાગ હતો. એ અહીં સમજાય છે. દાશરાજને વચન આપતાં દેવવ્રત કહે છે કે, ‘એકદમ ચતુર છો, દાશરાજ, પણ એવું નહીં થાય. હું ગંગાપુત્ર દેવવ્રત ત્રિલોકની સાક્ષીએ આજે પ્રતિજ્ઞા કરું છું કે હું જિંદગીભર સ્ત્રીના સ્પર્શથી દૂર રહીશ અને આજીવન બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીશ.’

   દેવવ્રતની પ્રતિજ્ઞા માતા-પિતાના દામ્પત્યને સાચવી લેવા માટે હતી. માતા ગંગા સાથેના સંવાદો પછી હવેના દૃશ્યમાં પિતા શંતનું સાથેના સંવાદો આવે છે. અહીં પણ કર્તવ્યપરાયણ ભીષ્મનું મનોગત પ્રગટ થાય છે. અહીં એમની બીજી પ્રતિજ્ઞા દૃશ્યરૂપ પામે છે. શંતનું દેવવ્રત પાસે વચન માગે છે કે,
‘વચન આપ કે, તું જીવશે ત્યાં લગી આ હસ્તિનાપુર રાજસિંહાસનની રક્ષા કરશે, અને હું હસ્તિનાપુર નરેશ રાજા શંતનું તને વરદાન આપું છું કે તારી ઇચ્છા ન હોય ત્યાં લગી મૃત્યુ તારો સ્પર્શ નહીં કરે. ભારતવર્ષ આથી તને દેવવ્રત નહીં. ભીષ્મ તરીકે ઓળખશે, મહારથી ભીષ્મ !’ એક પ્રતિજ્ઞા લઈ ચૂકેલા ભીષ્મને આ બીજી પ્રતિજ્ઞા ઉપર જવું કઠિન નહોતું. પહેલી પ્રતિજ્ઞાએ એમની કસોટી કરી છે એના કરતાં બીજીએ વધારે કરી છે અને ધ્વનિલ પારેખે આ બને પ્રતિજ્ઞાઓને કસોટીએ ચઢાવવાનાં કમઠાણ આ, નાટકમાં ઉપમા કર્યા છે.

   ત્રીજું દૃશ્ય અંબા, અંબિકા અને અંબાલિકાના સ્વયંવરનું છે અને હસ્તિનાપુરને ન મોકલાયેલા નિમંત્રણને યાદ કરી ભીષ્મ કાશીનરેશની આ ત્રણેય પુત્રીઓનું અપહરણ કરી જાય છે. દૃશ્યની ઘટના આટલી જ છે, પણ અત્યંત સનસનાટીપૂર્ણ અને નાટ્યાત્મક છે. ચોથું દૃશ્ય અંબા અને ભીષ્મના સંવાદોનું છે. અંબા મનોમન શાલ્વને વરી ચૂકી છે અને ભીષ્મ પાસે અનુજ્ઞા માગવા આવી છે. ભીષ્મ એને માટે સંમત થાય છે. પણ મુશ્કેલી હવે છે. શાલ્વ અપહૃત અંબાને સ્વીકારવા તૈયાર નથી. અંબા માટે હવે સંઘર્ષની ક્ષણો છે. એ પોતાને સ્વીકારી લેવા ભીષ્મને અનુગ્રહ કરે છે. ભીષ્મ તો પ્રતિજ્ઞાબદ્ધ છે. અંબા પોતાના અગ્નિપ્રવેશ પૂર્વે શાપ આપે છે કે, “જેમ મારા મૃત્યુનું નિમિત્ત તમે બન્યા છો તેમ તમારા મૃત્યુનું નિમિત્ત હું બનીશ.”

   ભીષ્મ ખિન્ન છે. પુનઃ ગંગાને સ્મરે છે. પોતાના એકાકીપણાને કોસે છે અને છતાં પ્રતિજ્ઞાને વશવર્તીને રહેવા કૃતનિશ્ચયી રહે છે.

   અંબા-અંબાલિકાના પાંચમા દૃશ્યના સંવાદો લેખકની નિજી કલ્પના છે. એમાં થોડો આધુનિક સંસ્પર્શ પણ છે. અંબા-અંબાલિકા પાપ-પુણ્યની ચર્ચા કરે છે ત્યારે અંબાલિકા સહજ રીતે જ બોલી ઊઠે છે કે, ‘મન ક્યાં પાપ અને પુણ્યનો ભેદ જાણે છે ?’ ભીષ્મની કલ્પનામાં રાચતી આ નારીઓ એને બદલે વ્યાસને જોઈ છળી મરે છે. લેખકે અંબાલિકાના મુખમાં અહીં પણ એક સબળ સંવાદ મૂક્યો છે.
‘મહારાણી ? હં....અં.... જેની ઇચ્છાનું કોઈ મૂલ્ય નથી એવી મહારાણી ? કે પછી જેને ગમે ત્યારે કોઈ પણ પુરુષ સાથે શયન કરવાની આજ્ઞા કરવામાં આવે એવી મહારાણી ? આપણા કરતાં તો ગણિકાઓની સ્થિતિ સારી છે, કે પોતાની ઈચ્છા પ્રમાણે પુરુષ પસંદ તો કરી શકે છે.’

   બન્ને બહેનો ભીષ્મને શાપે છે. કુરુકુળના વિનાશનું નિમિત્ત ભીષ્મ જ બનશે એમ કહે છે. ભીષ્મ પોતાની લાચારી પ્રગટ કરવા સિવાય બીજું કાંઈ કરી શકતા નથી. પ્રથમ અંક આવી તીવ્ર ક્ષણો સાથે સમાપ્ત થઈ, બીજા અંક માટેની કુતૂહલપૂર્ણ ભૂમિકા રચી આપે છે.

   ભીષ્મ પાંડુને હસ્તિનાપુરની ગાદી સોંપવા ઇચ્છે છે પણ ધૃતરાષ્ટ્રની ઈર્ષ્યાથી ચિંતિત છે. શાંતા વિદુરનો પક્ષ લે છે. ભલે એ દાસીપુત્ર હોય, પણ છે તો વ્યાસનું જ સંતાન ! ને વયમાં મોટો પણ છે ! આ ક્ષણો પણ અત્યંત નાટ્યાત્મક છે. ગાંધારી ધૃતરાષ્ટ્રને થયેલા અન્યાયને આગળ કરે છે. કુરુકુળની સ્ત્રીઓની આ માગણીઓ ભીષ્મને વધારે વિચલિત કરે છે. દ્યુતહાર પછીનાં દ્રૌપદીનાં વચનો તો અત્યંત કારી છે. સ્વયં ભાનુમતી દ્રૌપદીની ક્ષમા વાંછે છે. દ્રૌપદી તો એક સ્થળે ભીષ્મને માર્મિક રીતે સંભળાવે પણ છે કે, ‘સ્ત્રીની પીડા સમજવા માટે સ્ત્રી સાથેનો લાગણીભર્યો સંબંધ જરૂરી છે.'
 
   લેખકે હસ્તિનાપુરના ભાવિ પતન સાથે સ્ત્રીઓને થયેલા આ અન્યાયને સાંકળીને સમસ્યાને વર્તમાન સાથે સાંકળી છે. નાટકને આવો સાંપ્રત સ્પર્શ ખપતો હોય છે. આવી પ્રસ્તુતતા નાટક માટે અનિવાર્ય પણ હોય છે. પુરાકથા એના મૂળ રૂપમાં નહીં, પણ આવા નવા અભિગમ સાથે આવે ત્યારે જ મહત્ત્વ ધારણ કરતી હોય છે. ભીષ્મને કુરુકુળની સ્ત્રીઓ સામે સાથે મૂકીને લેખકે આ પ્રગટ કર્યું છે. નાટકનું અંતિમ દૃશ્ય એ રીતે અસરકારક બની શક્યું છે. એક તરફ સ્ત્રીઓની વેદના પ્રગટ કરતા આ ઉદ્ગારો અને બીજી તરફ સમરાંગણના હાથી-ઘોડા-સૈનિકોના ચિત્કારોનું સન્નિધીકરણ પણ નાટકની ધ્વનિગતિ અપેક્ષાને પરિપોષે છે.

   ધ્વનિલ પારેખનું આ નાટક બળુકું છે. એમની પાસે રંગભૂમિ અને લેખનનો સમીચીન મહાવરો છે. સંવાદલેખન પ્રત્યે ક્યાંય હજી થોડું અનવધાન દેખાય છે. પુરાણાધારિત કથાવસ્તુમાં મુખ્યત્વે સંસ્કૃત તત્સમ પદાવલિ વિશેષ ઔચિત્ય ધારણ કરે. આપણા ઘણા લેખકોએ આ કર્યું પણ છે પણ ધ્વનિલમાં (મુનશીની જેમ) ‘ખબર’, ‘લોરી’, કિનારા’, ‘શરત’, ‘દાવો’, ‘જિંદગી’, ‘બાગ’, ‘કેદ’ જેવા અરબી ફારસીકુળના શબ્દો પ્રવેશી ગયા છે. આમાંથી બચી શકાત. પ્રત્યાયનમાં એથી ક્ષતિ નથી આવતી, પણ ભાષાસ્તરનું સાતત્ય અને ઔચિત્ય તૂટે છે.

   અગાઉ કહ્યું છે તેમ, ધ્વનિલે સાહસ કર્યું છે, પણ આ સાહસ, એકંદરે સફળ રહ્યું છે. આવાં સાહસો એ નિરંતર કરતા રહે એવી શુભ કામનાઓ.
તા. ૨૫/૦૮/૨૦૦૮,
સતીશ વ્યાસ


0 comments


Leave comment