22 - મૌનથી / યોસેફ મેકવાન


દર્દને ઘૂંટ્યા કરું છું મૌનથી,
આપને ચાહ્યા કરું છું મૌનથી.

સ્પર્શમાં મૂકી ગયાં છો આપ જે,
ગીત એ ગાયાં કરું છું મૌનથી.

આપની આંખે હતું મારું જગત,
અંજલિ આપ્યાં કરું છું મૌનથી.

નામ હું બોલું નહીં પણ હરપળે,
હોઠ પર લાવ્યાં કરું છું મૌનથી.

આપ છો ચોમેર ને જોયા કરો,
નામ આલાપ્યાં કરું છું મૌનથી.

એ વિદાઈની પળો વીસર્યો નથી,
શ્વાસમાં ઝૂર્યા કરું છું મૌનથી.

૧૯૭૩


0 comments


Leave comment