૬૬ પરોઢિયું… / રમેશ પારેખ


આંખો ઉપરથી રાત ઉતરડે પરોઢિયું
પાછું મને અવાજમાં ખરડે પરોઢિયું

ઓઢેલ વસ્ત્ર રાતનું તાણી જતી દિશા
ઠંડી હવાના દાંતમાં ખખડે પરોઢિયું

કાળીડિબાણ રાતને ઘોળીને પી જતાં
વ્રુક્ષોની ડાળે કેફમાં લથડે પરોઢિયું

ઘરની બહાર રાત પડે છે ને ઘર મહીં
કોઈ વસંતકાળનું રખડે પરોઢિયું

જીવ્યા કરે છે માણસો મુરદા બની અહીં
કોઈને રાત, કોઈને કરડે પરોઢિયું

હે તીક્ષ્ણતાઓ દંષ્ટ્ર ની, નખની, મને ઊગો
ચીરું ભીંતો ને થાય ઉઝરડે પરોઢિયું.