૪૦ કોઈ વાર આવી ચડીશ તારા દેશ…. / રમેશ પારેખ


ઓચિંતા વાયરના હિલ્લોળે કોઈ વાર આવી ચડીશ તારા દેશ

મારગ ફંટાઈ ગયા પહેલાંની સીમ વિષે
રહેતાં એ વાત અને કિસ્સા
તું ને હું આરપાર વળતાં’તા ભીડ
જાણે સામસામે હોય બે અરીસા

તાજા ફૂટેલ કોઈ પાંદડાનું ફરફરવું જે રીતે આંખમાં પ્રવેશે
ઓચિંતા વાયરના હિલ્લોળે કોઈ વાર આવી ચડીશ તારા દેશ

પાણીમાં કોઇ કોઇ પરપોટો થાય
છતાં પાણીનું નામ રહે પાણી
આપની જુદાઇ ચાર દિવસોનું નામ :
નથી ઝંખનાની સેર નંદવાણી

હાથમાં ને હાથમાં જ તકતો તરડાઈ જતો મારે પણ સાંભર્યા–ની ઠેશ
ઓચિંતા વાયરના હિલ્લોળે કોઈ વાર આવી ચડીશ તારા દેશ.