૮૨ નિર્ગતિ વિષેનું તર્વિક… / રમેશ પારેખ


તમે જાણો છો ?
ના, ના.
કદાચ હું પણ નહીં,

કોઈ એક વાર મારી અનસ્ત સ્થિતિ
એક દિવસનો સૂરજ થવા નીકળી હશે
કોઈ એક વાર મારી સ્થિતિ
કશુંક થવા નીકળી હશે ને હશે
કશુંક ઓગળીને ભવિષ્ય બની જશે તેવો સૂરજ –
-કલ્પનામાં નહીં-નું અંધારું

કદાચ સમજણનું અંધ વિશ્વ પ્રસરતું હશે વિચારોમાં
કદાચ ગ્રહો અથડાયાનાં ભંગાણો લોહીમાં
કદાચ ઉથલપાથલ

ચહેરામાં તીરાડ નહીં
કોઈ કરામત નહીં
દંતકથાઓમાં હું નહીં
છતાં પણ
સંજીવની પુષ્પ લાવવા નીકળેલા એક પછી એક રાજકુમારોને
અઘોરવનમાં
ભેદી કારણોએ બનાવી મૂક્યા તે પાળિયાઓ
હું મને લાગુ
ને નગરમાં
સંજીવની પુષ્પની રાહ જોયા કરતો
આજાર બાદશાહ પણ હું

ક્રિયા એ તો ચિત્રમાં દોડતા અશ્વની ગતિહીન મુદ્રા
કિલ્લાઓનું સામ્રાજ્ય પ્રસરતું રહે કોના માટે
બનાવોથી હણહણતા પ્રદેશોમાં
તરવારો તણખલું બનીને વાંકી વળી ગઈ હશે
ચક્રવ્યૂહોમાં ખપી મર્યું હશે કોણ
કોની સામે બળવો કરવાના વિચારો પલાળે
નકશાના દરિયા જેવું

દર્ભરેખા એ જ કદાચ વીજળીનું પાણ્ડુર મૃત્યુ
હું પૂછું છું કે
મને જીવતો જીતવાની મહત્વાકાંક્ષા હતી
એ ક્યાં ગયા છે સંજીવની પુષ્પ શોધનારા રાજકુમારો, હવે આવો
દર્પણત્વ ખોઈ બેઠેલા બૂરા દિવસો
મને દર્પણ લાગવા માંડે તે પહેલાં આવો
દરેક શક્યતા જીભ લપકાવે છે મારા તરફ
મારી પસંદગીને નહીં તેવો અવકાશ
કંઈ પણ, જે નક્કર હોય
અથવા ભંગુર હોય અથવા હોય
તેના વિશેની કોઈક લોલુપતાનાં હે પાપ, મને લાગો...
સંજીવની પુષ્પ નહીં તો હળાહળ વિષ જેવું કશુંક
લોહીની ક્ષિતિજો પોતાની ઢળું ઢળું થતી
ગ્રહણશીલતાને આથમી દે તે પહેલાં
તમારા તેજી અશ્વોને મારા લગી પુગાડી દો
મને મારા વિષે જિવાડી દો
મારા વિષે મને જિવાડી દો
નહીં તો
હવે મને સતત પડકારી શકે છે આ નપુંસકતાઓ પણ.