2 - પ્રકરણ - ૨ : ‘પીલી જોઈએ’ / વેવિશાળ / ઝવેરચંદ મેઘાણી


   “એને આંહીં ઘેરે લાવશો મા, સુશીલાને નાહક અટાણથી જ ધ્રાસકો પડશે,” સુશીલાની બાએ પતિને, એટલે કે નાના શેઠને, સુખલાલના આવવાની આગલી રાતે જ ભલામણ આપેલી.
   “તો ભલે પેઢી ઉપર જ સૂવાબેસવાનું રાખશું.” નાના શેઠે કબૂલ કરી લીધું.

   સવાર પડ્યું. જમાઈને ગાડી પર લેવા જવા માટે મોટર કાઢવાની નાના ભાઈએ (સુશીલાના પિતાએ) વરધી આપી, તે સાંભળીને મોટા શેઠે ઠપકો આપ્યો: “મોટર મોકલીને અત્યારથી જ શા માટે છોકરાને મોટાઈનો કેફ ચડાવવો? ઘોડાગાડી ભાડે કરીને લઈ આવશે માણસ.”

   “ના… આ… તો… હું આંટો મારતો આવું ને ઉતારતો આવું,” નાના શેઠે ડર ખાઈને કહ્યું.
   “તારે જવાની જરૂર નથી; અત્યારથી એને બગાડવો રે’વા દે, બાપા! અને હજુ કોને ખબર છે! આપણે આંધળુકિયાં નથી કરવાં. છોકરીનું ભલું બરાબર તપાસવું જોશે. હજી કાંઈ બગડી નથી ગયું. ટાઢે પાણીએ ખસ કાઢી શકાતી હોય તો ઊનું મૂકવાની શી ઉતાવળ છે?”

   એટલામાં તો બેઉ ભાઈઓ બેઠા હતા ત્યાં સુશીલા દાતણ મૂકવા આવી. એનું મોં રોજના જેવું પ્રફુલ્લિત નહોતું. પાણીના લોટા, બે લીલાં દાતણ અને મીઠાની શીશી મૂકીને એ ચૂપચાપ ચાલી ગઈ.

   “છોકરીના મન ઉપર અત્યારથી જ ઝાંખપ ઢળી ગઈ છે, જોયું ને?” મોટા શેઠે દાતણ છૂંદતાં છૂંદતાં કહ્યું.
   નાનો ભાઈ મૂંગે મોંએ દાતણ ચાવવા લાગ્યો.

   “પ્રાણિયા!” મોટા શેઠે શાક લઈને આવનાર ગુમાસ્તાને કહી દીધું, “સ્ટેશને જા, ને થોરવાડથી સુખલાલ આવે છે તેને ઉતારી પેઢી ઉપર લઈ જાજે. તમારી સૌની સાથે ઉતારો રાખજો.”

   “મને જઈ આવવા દીધો હોત!” નાના શેઠે ફરી એક વાર ડરતે ડરતે ઇચ્છા બતાવી.
   “પણ એવી શી જરૂર છે?” મોટા ભાઈએ મોં પર સખતાઈ આણીને કહ્યું, “હું કહું તેમ કરતો આવ્ય ને, બાપા? ઠાલી શીદ ફજેતી કરાવ છ?”

   પછી તો નાના શેઠે ચુપકીદી રાખીને દાતણ પતાવી દીધું. ચા પીને પેઢી પર ગયા, ત્યારે સુખલાલ આવીને બેઠો હતો. એણે બેઉ સસરાઓને મૂંગા જે જે કર્યા; જવાબમાં મોટા શેઠે ફક્ત “આવો” એટલો જ શબ્દ કહ્યો.

   સુખલાલની બાજુમાં તે વખતે હોટેલની ચાનાં કપરકાબી પડ્યાં હતાં. ચા પીવાઈ ગઈ હતી.
   “બેવકૂફ!” મોટા શેઠે પેઢી પરના ઘાટીને તડકાવ્યો, “ભાન છે કે નહીં? કપ તો હટાવી લે આંહીંથી.”

   એ ઠપકાના તીરનું નિશાન તો પોતે જ હતો, એમ સુખલાલને—પોતે ગામડામાંથી ચાલ્યો આવતો હોવા છતાં—લાગ્યા વગર રહ્યું નહીં. એણે જાતે કપરકાબી ઉપાડીને ઘાટી તરફ હાથ લંબાવ્યો.

   “ત્યાં જરા ભીનું કપડું લાવીને લૂછી નાખજે,” મોટા શેઠે ઘાટીને નવી સૂચના આપી. એ પ્રત્યેક આજ્ઞા અને મહેતાઓ-ગુમાસ્તાઓને ગતિમાન કરી દેવાની એમના હરેક શબ્દની એ ગરમી એમ સ્પષ્ટ સૂચવતી હતી કે તાજી સાંપડેલી આસામી હજુ મોટા શેઠને કોરેકોરાં પહેરી લીધેલાં કપડાંની માફક બંધબેસતી થઈ નહોતી. વધુમાં વધુ તો એમને સુખલાલ પોતાની લાંબી ગાદીનો એક ખૂણો દબાવીને બેઠેલો તે સાલ્યું.

   ગાદી પર બેસવાનો સુખલાલને ખાસ કશો મોહ નહોતો, પણ એને સ્ટેશનેથી લઈ આવનાર ગુમાસ્તાએ જ એ બેઠક બતાવી હતી. ઊલટાનો પોતે જ વિવેક રાખીને, અથવા કહો કે ડરતો ડરતો, છેક ગાદીની કોર પર બેઠો હતો; પણ મોટા શેઠનું ધ્યાન બેચેન બની વારંવાર પોતાની ડાબી બાજુએ બેઠેલા સુખલાલ તરફ કતરાતું હતું. પછી તો સુખલાલ એમની પ્રત્યેક નજરના ઠેલા અનુભવતો ધીરે ધીરે ગાદીથી છેક જ નીચે ઊતરી ગયો.

   “કેમ છે તમારી માને?” ઘણા વખત બાદ મોટા શેઠે પૂછ્યું. પણ એ પૂછવાની રીત એવી હતી કે કેમ જાણે સુખલાલની માતાએ બીમાર પડવામાં મોટા વેવાઈનો કોઈ ખાસ અપરાધ કર્યો હોય અથવા ઢોંગ આદર્યો હોય.

   “સારું છે.” સુખલાલે એમ માન્યું કે માતાની બીમારી વર્ણવવી અથવા જણાવવી એ પણ અહીં મુંબઈમાં એક પ્રકારની અસભ્યતા ગણાય. જવાબ દેવાની આટલી તક મળતાં એણે ઉમેર્યું કે, “મારા બાપાએ ને મારી બાએ સૌને બહુ જ સંભાર્યાં છે.”

   એનો જવાબ આપવાની જરૂર મોટા શેઠને લાગી નહીં અને સુભાગ્યે ટપાલ પણ આવી પહોંચી, તે વાંચવામાં પોતે પડી ગયા.

   દરમ્યાન નાના શેઠ તો પોતાની ઓફિસવાળા પાછલા ભાગમાં ચાલ્યા ગયા હતા. ટપાલ વાંચી લઈને મોટા શેઠ ઓફિસમાં દાખલ થયા; બેસીને પછી નાના ભાઈને કહ્યું:
   “જોઈ લીધીને શિકલ?”
   “દૂબળા બહુ પડી ગયા દેખાય છે. પાંચ વરસ પહેલાં તો…”
   “પણ પાંચ વરસ પે’લાંની કાણ કાં માંડ્ય? પરણે છે એનાં ગીત ગા ને! આમાં તને કાંઈ બોણી લાગે છે? છે રતી જેવું નામ?”
   “આંહીં ઠીક થઈ રહેશે.”
   “રાજા-બાદશા જેવી વાત કરવી રે’વા દે તું, ભાઈ! રે’વા દે હવે. ને મારે મારી એકની એક છોકરીનો ભવ નથી સળગાવી દેવો.”

   બેઉ ભાઈ વચ્ચે એક જ સંતાન સુશીલા હતી. મોટાભાઈનાં પત્નીને ફરજંદ થયેલાં, પણ જીવેલાં નહીં. સુશીલા જ એમના સકળ સંતોષનું સાધન હતી. મોટાભાઈને વારસદાર મેળવવા માટે ફરી પરણવાનું ઘણાએ કહ્યું હતું. પણ, પ્રત્યેક માણસના જીવનમાં પ્રકાશ અને છાયા બેઉ હોય છે તેમ, આ મોટા શેઠનો આત્મપ્રકાશ ચુસ્ત એકપત્નીત્વમાં પ્રકટતો હતો. એણે તો પોતાના સમસ્ત વારસાની માલિક સુશીલાને જ માની હતી.

   “પણ તેનું હવે કરવું શું?”
   “કરવું તો પડશે જ ને. જોઈએ, કામે લગાડી જોઈએ: વેળુમાંથી તેલ કાઢવા જેવી વાત લાગે છે; છતાં આપણે તો પીલી જોઈએ.”

   પછી તો ‘પીલી જોઈએ’ એ મોટા શેઠનો બોલ શબ્દશ: સાર્થક થયો. એમણે સુખલાલને સામાન્ય ઉમેદવારની જેમ પેઢીના મહેનતભર્યા કામમાં ધકેલી દીધો. સુખલાલ પણ કેડ્ય બાંધીને જમાઈપણાની પરીક્ષા આપવા લાગ્યો. એણે પોતાની માનહાનિના વિચાર દૂર મેલ્યા. રાતે સૂવા જતી વેળાએ માંદી માતાના બોલનો એ જાણે માનસિક જાપ કરતો કે—
   “સગપણ જો તૂટશે ને, ભાઈ, તો અમારાં જીવતરમાં ઝેર ભળી જશે.”
(ક્રમશ....)


0 comments


Leave comment