૨૮ દાદાજી કહેતા એ વાત…. / રમેશ પારેખ


દાદાજી કહેતા એ વાત મારી સાંજનાં દીવે અજવાસની વેળા

મિંચાતી આંખ મારી સાતસાત દરિયાના
ઘૂઘવાટો પાર જઈ ખૂલે
પરીઓનો દેશ મારાં ચરણોની આસપાસ
હરિયાળા ઘાસમાં ઝૂલે

મુઠ્ઠી ખોલું ને મારા હળવાફૂલ હાથમાં પહાડો ને ખીણ ઊગે ભેળાં..
દાદાજી કહેતા એ વાત મારી સાંજનાં દીવે અજવાસની વેળા

ખૂલતે દરવાજે કાંઈ કિરણોના મહેલની
કુંવરીનું વહાલ ઢળે એવું
છલકીને વહી જાતાં હું ને મન બેઉ
જેવું વરસાદે વહી જાતું નેવું

આવે નહીં યાદ પછી પાદરની આંબલી કે ચગડોળે ઘૂમતા એ મેળા..
દાદાજી કહેતા એ વાત મારી સાંજનાં દીવે અજવાસની વેળા.