૩૦ સૈયર ચૂંટી ખણે ને – / રમેશ પારેખ


સૈયર ચૂંટી ખણે ને રાતચટ્ટાક ગાળ ભીના કરું છું હવે રોઈને

આઘે આઘે રે ક્યાંક સૂરજ વરસે
ને મારા આંગણમાં સોનેરી પાણી
પગને બોળું તો શે ય પાની ભીંજાય ના
આમ મને જાય સાવ તાણી

મારું ઊગ્યા વિનાનું એક ઝાડવું સુકાય : એમ કહેવા યે કેમ જવું કોઈને

અમને મો’યાં’તાં અમે તકતામાં જોઈ
એવાં તમને ભાળીને અમે મો’યાં
મુખની વરાંસે કરું તકતાને ચાંદલો
એવાં રે સાનભાન ખોયાં
અરે, તમને જોયાની એક પળ રે મળે તો લઉં જીવતર આખ્ખું ય હવે ખોઈને.