7 - એ હજુ ત્યાં ઊભો છે / રાજેશ વણકર


   પેલા લોકો આવ્યા જે નક્કી હતા એ જ, એમને જોઈને બીજાય ઘણા ભળ્યાતા વાટમાં. ‘ચાલો આપણેય’ ‘આપણા કામની વાત છે' ‘ઉઠ અલ્યા કેમ બેઠો છું’ ‘ચાલને ભેગા વાતો કરીશું’ અને બધા બેઠા. એટલે કેટલા બધા એમ તો બધાયને થતું હતું પણ ઘણાં અજાણ હતાં જેમ આગળ ચાલતા માણસથી અજાણ હતા એમ એ માણસની વાતોથી અજાણ હતાં ને આમ ભેગા થયા પછી કોઈ ઝાલ્યા રેય ખરો કે એ તો વિફર્યા ને એમ એક બન્યા ‘અલ્યા તારે મારે ઝઘડો પણ આખરે તો એક જ ને !’ અને પાછા આવા તારે-મારે વાળાય સામેવાળાનું પોરનું સાટું વાળવાય ભેગા થયેલા. ને એમ ભેગા થયા કે નિર્ણય એક. કંઈક ને લૂટ્યાં, તોડ્યા, ફોડ્યા, ગોડ્યા, છોડ્યા શું કર્યું ? કશું નહીં, આનંદ છે ભાઈ ! અને સામે વાળા હાર્યા દબઈ જ્યા એના હર્ષોલ્લાસની ચિચિયારીઓ સાંભળતો અને તૂટેલા ફૂટેલાના આર્તનાદ સાંભળતો.

   એ ત્યાં જ ઊભો હતો.
   અરે પેલીને ખેંચીને લાયા છરા કાઢયા એની નસનસમાંથી એને ચૂસી લીધી ને પછી તોડી ફોડીને ફેંકી દીધી, તડપતીતી આખી રાત એ અત્તર નીચોવેલ ફૂલ જેવી ત્યારેય –

   એ ત્યાં જ ઊભો હતો.
   ને પેલા લૂંટીને ભેગું કરવા માણસને બાજુએ મૂકીને ફૂંકી ફૂંકીને લૂંટી લેનારા બધુંય સંતાડીને પછી એમાંથી ચીરી ચીરી કટકો કટકો ભસતાં કુતરાંને નાંખ્યો અને પછી એ બધા એવા ડૂબેલા કે ભેગું કર્યાના નશામાં એમને ભાન નહોતું ! ને એમાં રહેલા અળસિયાની જેમ સળવળ સળવળ થતા પસીનાના બુંદોનું અને ગણી ગણીને થોક બંધ ગોઠવેલા સપનાંનું પેલા અરમાનોનો ડૂચો એના ભેગો આવેલો એ વેચવા કાઢેલા માલમાં સળવળ્યો ત્યારે સિગરેટના ધૂમાડામાં કેવો વિલિન કરી દીધો. એને ચોખ્ખું બધુંય દેખાય એટલે તો નવા નક્કોર ગોગલ્સ ચડાવીને ફરતોતો એ માણસ ત્યારે –

   ત્યારેય એ ત્યાં જ ઊભો હતો.
   ને આ બધા પછીય પેલા પાછળ ચાલનારાઓ જેમને ખબર નહોતી આગળ વાળાના મનની એ એના સરઘસમાં નારા બોલાવવા સાદ બેસાડી રહ્યાતા ત્યારે બાજુમાં ચાલતા તમાકુ મસડતા જુવાનજોધ માણસને પછી નવી તમાકુની કોથળી ક્યાંથી લાવીશ એનું વિચારતાં નાકે દમ આવી જતો, તોય ધોમધખતા તાપમાં મજુરી મૂકીને એ કેવો દોરવાયોતો ? આ વિજય સરઘસમાં આનંદ મનાવવા હાલ્ય લ્યા તારા ભેગો હુંય આજે તો... તાળીઓ પાડવાની મજા આવે હો. માઈકો તૂટે એટલા ઉછાળા મારતા એ હાર પ્હેરેલા માણસને ક્યાં ખબર હતી કે ‘પપ્પા ગયા છે તે બિસકીટ તો લાવશે શહેરથી’ સમજાવતી ને ઘેર તળીયુ ઢંકાય એટલી દાળમાં આજે એક ગ્લાસ વધારે પાણી ઉમેરતી એક સ્ત્રી ઘેર પણ હતી; પાછા વળ્યા ત્યારે‘અરે દાળમાં મજા આવી’ એવું એવું એકડે ને છગડે સાંભળતો –

   એ ત્યાં જ ઊભો હતો.
   પેલા એ જ ચા વાળાને ત્યાં સિગારેટના દમ ભીડતાં ભીડતાં ફૂંકે ફૂંકે ઝટકા લાગે એવી અલ્લડ ગાળો ભાંડતા મહાશય આઠ દસેય લોકોને રોજ પોતાની પ્રવાહી વાતોમાં ખેંચતાં ઉભા હોય ત્યારે જાણે ‘આ જ જાણે છે દુનિયા ભરનું’ એમ વિચારતી આંખો આ રાત્રે ફૂટપાથ પરની સ્ત્રી પર અંધારામાં એ જ ચહેરો ઝડપથી ઝળુંબતો જોતા હોત ને તો ખબર પડત કે આ આટલી બધી વાતો કેમ થાય છે ! ને આપણે બધાય એ ક્યાં જોઈએ છીએ ? પણ રોજનો આ ક્રમ જોતો એ રાતને વધુ કાળી અનુભવતો –

   એ ત્યાં જ ઊભો હતો.
   નોકરને છેક દોઢ કિલોમીટર ચલાવીને મોકલવો એ બીડી ફૂંકતાં ફૂકતાં ચાલતો. પેલા તૂટી રહેલા યુવાનનું ચાની કિટલી લઈને વળી વીસ રૂપિયામાં સો વાર પોતાનેય નહીં ઉચકી શકતા માણસ પાસે ભાર ઉંચકાવતો ને વારંવાર આવી ભૂલ કરવાની શોધ કરી બેઠેલા એ યુવાનને ધમકાવવો એ બધું તો એની નજર બહાર નહોતું જ –

   એ ત્યાં જ ઊભો હતો.
   દૂર દૂરના ડુંગરો વચ્ચેથી પેટનો ખાડો પૂરવા ઉતરી આવતા આદીવાસીઓની કમરો પર ફરી વળતી કામની કરચલીઓ એમના ગીતોના લયને વાતોના ભંડારોને રજકણ રજકણ કરીને ગટરોમાં ફેંકી દેતા તે માણસોને એણે જોયાં છે. એમના રસ્તે રઝળતા થયેલા બાળકોને એણે જોયાં છે. એમનામાંથી હવે કયો ભૂવો ધૂણશે ને કઈ સિકોતર, ચામુંડા, કાળીમાને બોલાવશે એ હવે કશું કહેવાય નહીં. ક્યારેક ગંધ ભરેલા પોટલાં જાય છે ડુંગરો વચ્ચે ને ગણતાં ગણતાં જાય છે એમ ગણતાં ગણતાં આવે છે. જંગલમાં છોડી મેલેલા ઢોર બકરાંના મોંઢા જોઈને. તગડાતો એ ઢોર બકરાં થાય છે. આ તો તૂટી ફૂટીને વેચાઈ રહ્યા છે એ ફૂટપાથ પર. આ બધું સાવ સામે જોતો –

   એ ત્યાં જ ઊભો હતો.
   બણબણ બણબણ અવાજ આવે છે માળા ફરે છે ને પૂણ્ય પૂણ્યની લાયમાં ભટકતાં ડોસા ડોસીઓ પસાર થાય છે. મંદીરોમાં ભીડ કરવા મૂર્તિઓને ડાઘા પડી ગયા હોય તોય. જો પેલા કેટલાક પૈસા કોણ મૂકે છે એનું ધ્યાન રાખવાવાળા ભગવા ધારીઓ કે ધોળાધારીઓ ના પેઠા હોત તો? ને રાતે પેલો બાવો પગ નાખે છે ફૂટપાથ પર સુતેલી બાળા પર ત્યારે કોઈ ફાંસીની સજા સંભળાવે છે કે નહીં એની રાહ જોતો –

   એ ત્યાં જ ઊભો હતો.
   ને પેલી આવે તૂટ્યા ફાટ્યા ગાઉન જેવા વસ્ત્ર પહેરેલી. એ પેલા આસોપાલ વચ્ચે બે ત્રણ દાયકા પૂર્વ ત્યાં ઉભેલી ચહેરા પર એકેય ભાવ ન ઓળખાય એવી ચૌદ વરહની છોરીની જેમ ઉભી રહેતી ને જરાક અમથી વાત કરીને થેલી લઈને શહેરની મુલાકાતે અવારનવાર આવતા આવા માણસોની પછવાડે આગળ આગળ ચાલતી ને દાદરે થઈને ઉપર જતી પાંચેક મિનિટમાં પરત ફરતી ને પછી આસોપાલવ નીચે આ જ સ્ત્રી ઉભી રહેતી ને ઘેડી ડોસી આવીને એની પાસેથી રૂપિયા લઈ જતી. આજે એ સ્તનોમાં વરસોના સડેલા હજારો ઈતિહાસો પડ્યા છે. ઉકલ્યા ઉકેલાય એમ નથી.

   એ હાથ લંબાવે છે જ્યાં ત્યાં જાકારો જાકારો... વરસો પહેલાં હાથ લંબાતો ત્યારે તેમાં હજારો આવકારો આવી પડતા આ બધું કોણ જોવે છે ? પેલો, હા જે હજુય જુએ છે કારણ કે વરસોથી –

   એ ત્યાં જ ઊભો છે.
   ને આ રંગબેરંગી વસ્ત્રોમાં ચપોચપ કપડાંમાં સાચવી સાચવીને રખાતા શરીરો જેને યૌવનધન કહેવું પડે એ એક સમયે પ્રયોજાતું’તું રણમેદાને કે સત્યના મેદાને એમ કહેવું એ જોક બને છે એવા સ્થળો ઘણાય છે જ્યાં આવા જોક ઉભા કરવા પરસ્પરને દાંત બતાવવા પર ભાષાના શબ્દોનો ઢગલો કરીને પ્રભાવનો પાશ પાથરવા ઊભો છે એ ટોળા ને ટોળાની વચ્ચે ખાલી શોખ ખાતરની ચોપડીઓ ને શોખ ખાતરના ખાલી અમથા રોજ યેનકેન પ્રકારે પિરસાતા વાક્યોના ઢગલાને લુખાસુકા સપનામાં રાચ્યા તરફનું પ્રયાણ એ બધુંય ચાલ્યું ત્યારે કે ચાલે છે ત્યારે –

   એ ત્યાં જ ઊભો છે.
   ને અંગ મરોડી, વાતો છોડી, કિસ્સા ઉપજાવી સંગીતના ધૂમ ધડાકાના સહારે એ જ નવા શબ્દોની હારમાળા ઉભી કરતાં થીયેટરોની વચ્ચે જુઓ ઠલવાતી શહેર આખાની ને ગામેગામની ભીડ જો તો –

   એ તો ત્યાંજ ઊભો છે.
   આજ દહાડાની જ વાત પેલાં સ્કુટર પાછળ બેઠેલી પત્નિનો પતિતો ૨૭, ૨૬, ૨૪માં પડ્યો તો ને પત્નિ પાછળ હાથ પર અંગુઠો ખોસતીતી ત્યારે બાજુમાં ગોગલ્સ વાળાના પગનાં અંગૂઠે કેટલો મોટો ગોબો પાડી દીધો તો એ જ રાતભર પુરાયો નહીં હોય. હા ચોક્કસ એટલે જ તો સાવ અડોઅડ પછી તો ચાલ્યાતા ચારેય ટાવર ને આગળ બેંકમાંથી કેટલા ઉપાડવાના એમાંથી બાદ કરતાં કરતાં ક્યારે પેન્ટનું કાપડ લવાશે. નો પ્રવાહને પાછળ પેલાના ત્રાંસલ પગમાં પડેલા ખાડામાંના પ્રવાહીના વલયો કેવા વિસ્તરતા હતાં. આવા વલયો ક્યાં ક્યાં નહીં વિસ્તર્યા હોય ? ને ક્યારેય બીજી વખત ક્યારેય નહીં વિસ્તર્યા હોય એ શોધવાની મજા આવે પણ એને કોઈએ એના માપથી ઉંચો ક્યાં જવા દીધો હતો તે આ બધું જુએ ને એમ તો એની દૃષ્ટિમાં આવતાં દૃશ્યોને સંઘરતો.

   એ ત્યાં જ ઊભો છે.
   સાવ સાદીને સુંવાળી સુંવાળી વાતો જેમાં દુનિયાભરના ડહાપણો ભરેલાં ગાડાં આ રસ્તે કે પેલે રસ્તે કે આડ માર્ગે ને સીધે માર્ગે ત્યારે ત્યારેય –
 
   એ ત્યાં જ ઊભો છે.
   આજે જ જુઓ અંધારી રાતે પેલા બુલેટ પરથી નવા આયોજનો પસાર થયા. ચપોચપ બેઠેલી કોઈની પત્નિ આગળનો પુરુષ પણ સહેજ દબાઈને એની પાસેથી સરી ગયો. પેલા નંબરો એની આંખોમાં જ અટવાય. સત્તર, સોળ, પંદર, ચૌદ... આઠ... સાત ને આ ચાલ્યા ને બીજું ટોળું ચાર માર્ગ કરતાં કોને કહે ઊભો રહે.

   ચાર માર્ગેથી કોને કહે પાછો વળ ?
   ચાર માર્ગ છે કોને કહે ઊભો રહે ?
   ચાર માર્ગ કોને કહે આમ જો ?
   ને સીધા રસ્તે જનાર તો કોક જ હોય ને એ કચડાય મરે ત્યારે પેલા આડા આડા એને અંજલી આપે ને એતો –

   એ ત્યાં જ ઊભો છે.
   આજ રાતની જ વાત પેલા ભૂખ્યા ઉંદરોમાં ચીસો તો શમતી નહોતી. ગટરોમાં ઠલવાઈ જતી ખબરો તો વહી ગઈ નહોતી. કાલનું છાપુંય આ બધામાંની કોઈક સારી સારી ખબર લઈને આવ્યું નહોતું ને ભૂલો પડેલો ગામડીઓ 'ઓ પરભુ, ભગવાન અહીં ધોંમા નાખો' કરતો એની સામે જ બેઠો. 'દાડો ઉજ્યે વાત અવે’ એમ કહેતો ને એને ખબર છે અહીં ક્યારેક જ દાડો ઉગે છે પણ કેવી રીતે ? અને પૂછાયું હોત તો ? અને કોઈ આમ પૂછી બેસે તો ? આ બધું કહેવાનું વિચારતો –

   એ હજુયે ત્યાં જ ઊભો છે.
   નિસ્પલક.


0 comments


Leave comment