3 - પ્રકરણ ૩ / અસ્તી / શ્રીકાન્ત શાહ


   પવનથી બાજુના બારણાંએ ભીંત ઉપર આઘાત કર્યો. એક રાહદારીનાં થૂંકનું માઈક્રોસ્કોપ તેના ગાલ ઉપર પડ્યું. સીગારેટનું ફેકેલું ખાળી ખોખું તેના પગ આગળ ઉડી આવી પડયું. ટોપીને ત્રાંસી ગોઠવી પસાર થતા એક મુસલમાનના હોઠનો લાલ ખૂણો તેને દેખાયો એક ક્રીશ્રીયન છોકરીના ફીંડલું વાળેલી દોરીના દડા જેવા ઘૂંટણ દેખાયા. પુસ્તકોને સ્તનના ઉભાર ઉપર દબાવી પસાર થતી એક યુવતીની વીધવા છાતી દેખાઈ. એક વૃદ્ધની ધ્રુજતી આંગળીમાં વળગેલું તેની સગર્ભા પુત્રીનું શબ દેખાયું. મોજડી, ગરમ પાટલુન અને લાલલીલા રંગનો બુશકોટ સાયકલ ઉપર પસાર થતા દેખાયા. એક પારસીનો તુટેલો કોલર અને ચપોચપ બંધ કરેલા ખીલ્લા જેવા બટન દેખાયા. ચડ્ડી પહેરેલા દોડી જતા એક છોકરાના ભીંગડા વળેલા પગ દેખાયા. બગલમાં મોટી પર્સ લટકાવી પસાર થતી એક સ્થુલકાય સ્ત્રીનું સળ પડેલું ઉપસેલું પેટ દેખાયું. બાબાગાડીમાં સુતેલા બાળકની છાતી ઉપરથી ખસી ગયેલી ગરમ શાલ દેખાઈ. પોલીસના રાંટા પડતા પગ અને પટ્ટો તુટી ગયેલા સેન્ડલ દેખાયા. બાર વર્ષની એક છોકરીના મોઢાં ઉપર ન પ્રીછી શકાય તેવી ગંભીરતા દેખાઈ. રેશમી ઝબ્બો પહેરેલા એક જાડા માણસની માંસલ હથેલીમાં સીગારેટનો ડબ્બો દેખાયો. આંખ ઉપર લીલું કપડું બાંધી પસાર થતા એક માણસની ઘસાઈ ગયેલી લાકડીનો ઠક-ઠક અવાજ તેને દેખાયો. ઝડપથી જતી એક સ્ત્રીના ચોળાયેલા કપડાં દેખાયા. રીક્ષાના હેન્ડલ ઉપર પક્કડ જમાવી ચીટકેલી આંગળીઓની વીંટીમાં સંતનો ફોટો દેખાયો. ભાંગેલા હાથને ઝોળીમાં રાખી પસાર થતા એક માણસના છુટ્ટા હાથમાં લટકતી વજનદાર થેલી દેખાઈ. તુરતના પરણેલા પુરુષ-સ્ત્રીના હાથમાં બાલદી કાપી બનાવેલી સગડી દેખાઈ. એક મજુર બાઈના ચુનાવાળા હાથ દેખાયા. એક છોકરાના મોંમા સળગતી સીગારેટ દેખાઈ. એક અશ્વના ખુલ્લા મોંમા થોડા ઘાંસીયા ફીણો દેખાયા. ઉંચે ચડેલી ચોળીની કેડ પાસે ખરજવાનો કાળો લીસોટો દેખાયો. પટ્ટાવાળા બુશકોટની બાંય ઉપર એક માદળીયું દેખાયું. છીદ્ર પડેલી ત્વચામાંથી ઉડતો વાસી પ્રાણવાયુ દેખાયો. ઉઘડેલી મોં-ફાડમાં સુજી ગયેલી દાણાદાર જીભ દેખાઈ. આંખોના ઉંડા કુવામાં કુદી રહેલી માછલીઓની સળવળ દેખાઈ. નખની ઉખડી ગયેલી પતરીમાં ભરાઈ રહેલો સુતરનો એક તાર દેખાયો. કોચવાને ઉગામેલી ચાબુકમાં તેની મૃત્યુ પામેલી પત્નીની છાતી ઉપરનો દુઝતો સોળ દેખાયો. એક છોકરાના ફાટેલા પહેરણ નીચે ડોકીયું કરતા પેટ ઉપર ઉંડા ઉતરી ગયેલા કાળા ડામ દેખાયા. પાંપણના ખરી પડેલા વાળની જગ્યાએ ચોંટી રહેલું - ફફડતું એક પતંગીયું દેખાયું. વૃદ્ધોની મસલત કરતી ત્રીસ આંગળીઓમાં ખજુરીના રેષાઓની ધારદાર કીનાર દેખાઈ. ચપ્પુ સજાવી રહેલાં એક પીળા ખમીશમાં તેના કાટ ખાધેલા પતરાના છાપરાનું બોદાપણું દેખાયું. એક બકરીના લાળીયા મોંમાંથી ઝરી રહેલું ઝાકળીયું ઘાસ, અને માટીના ભીના રજકણો દેખાયા. મોટરના ઉખડી ગયેલા રંગના પોપડાઓમાં વંચીત રહેલાં તોફાની શીશુની ભુખરી હડપચી દેખાઈ. ખુણે સતાઈ ઉભા રહી ચા પીતાં એક માણસનાં હોઠ ઉપર એક વેશ્યાનું લચી પડેલું કાળું – દીંટી વગરનું સ્તન દેખાયું. માટીની ઠીબમાંથી પાણી પી રહેલા રૂના પોલા કબુતરાંની ચાંચમાંથી સરકી જતા જુવારના ટીચાયલા બે-ત્રણ દાણા દેખાયા. દુકાનનું ધ્રુજી રહેલું-તરડાયલું પાટીયું – અને તેમાં ભરાઈ પડેલા ગલ જેવા બે અણીવાળા હુક દેખાયા. રસ્તો ઓળંગતા ખંચકાતી ઉભેલી ત્રણ નાની છોકરીઓનાં ખભે ભેરાવેલા ચામડાના દફતરનું ઉપસી ગયેલું પેટાળ દેખાયું. તારના થાંભલા પાસે અઢેલી બેઠેલા એક ચમારની ચકળ-વકળ કીકીઓમાં પીળીયા કરોળીયા દેખાયા. દીવાલના ઉખડી ગયેલા પ્લાસ્ટરમાં બખોલ કરી બેઠેલી ચકલીની ચપોચપ બંધ ચાંચમાં સળવળી રહેલો સમયનો કીડો દેખાયો. એક ભડકી નાઠી આવેલી ગાયના રૂંછાવાળા પુચ્છ ઉપર બે-ત્રણ તણખલાં દેખાયાં. ઢળતા ખભાવાળા એક માણસના કપાળ ઉપર સરી પડેલી પરસેવાની કાળી સેર દેખાઈ. કાળા ખમીસને ચોંટેલા સફેદ બટન દેખાયા. વૃદ્ધ સ્ત્રીની પીળી હથેળીમાં દબાઈ ગયેલો કોશેટો દેખાયો. ફેરીવાળાના સળીયા જેવા જડબાંમાં ઘરની ચોરસ માંસમજ્જા વગરની દીવાલો દેખાઈ. વાંકા વળેલા ગળામાં લાલ રૂમાલ દેખાયો. હીરેમઢ્યા સોનેરીપટ્ટીવાળા ચંપલની પાછળ ખાખી પાટલુન દેખાયું. એક મોટર દેખાઈ. ત્રણ છોકરીઓ દેખાઈ. માણસો દેખાયાં. બાંકામાંથી પડતો પીળચટ્ટો પ્રકાશ દેખાયો. આ બધાં દૃશ્યોની શૃંખલામાં જાણે કે તે જડાઈ ગયો.

   તેણે આ બધાનું મનોમન મૃત્યુ વાંછયું.
   આ બધા મનુષ્યોએ તેમના હવડકોષોને પરીપક્વ બનાવવા સીવાય બીજું કશુંયે કામ કર્યું નથી, એમ તેને લાગ્યું. બધાંની કરોડરજ્જુ તોડી નાખી ફરીથી ચાર પગે ચલાવવાની તેને ઈચ્છા થૈ આવી.
(ક્રમશ.....)


0 comments


Leave comment