4 - પ્રકરણ ૪ / અસ્તી / શ્રીકાન્ત શાહ


   તેણે એક સીગારેટ કાઢી સળગાવી. બાજુમાં જ મોઢું ખુલ્લું કરી ઉપરનું બોર્ડ વાંચતા ઉભેલા એક દુબળા માણસના પગ ઉપર રાખ ખંખેરી. ટાવરમાં સાતના ડંકા સંભળાયા. ટાવરના મોટા કાળા આંકડાઓના ટેકણ ઉપર વાગોળે તેનાં નપુંસક માળાઓ બાંધ્યા હતા. બાજુમાં ઉભેલા માણસે તેનું વંકાયલું મોં બંધ કર્યું, ત્યારે તેના ચહેરાની બીહામણી રેખાઓ વધારે સ્પષ્ટ થઈ. કાળા-સફેદ વાળની નીચે ખુણા કરી અંદર ઘુસી ગયેલું કપાળ, હડપચીના સખત મજાગરાંઓ, અને ઝીણી આંખમાં તેને કોઈ પરીચીત-વ્યક્તીનો અણસાર વરતાયો. પરીચીતતાને ભુંસી નાખવા તેણે પીતાની નનામી ઉપર એક આછું-પાતળું કફન ઓઢાડ્યું.

   સીગારેટની રાખ ફરી તેણે પેલાં માણસના પગ ઉપર ખંખેરી. આંખો ઝીણી કરી તેના સખત જડબાં તરફ જોયું. અગ્યાર બાળકોનાં વીર્યકણો અચીંતા દાડમના-ખુલેલા ભાગમાંથી બહાર નીકળી પડ્યા. અગ્યાર બાળકોના વીર્યકણો અચીંતા તેના સખત જડબામાં ભરાઈ પડ્યા.

   અગ્યાર નાના-મોટા વીર્યકણોનો ફરીથી અહીંથી પહોળી દાડમ જેવી દુકાનમાં સમાવેશ કરી શકાય – તેવી વેતરણ તેની થીજી ગયેલી મુખમુદ્રામાંથી વરતાતી હતી. તેના મોં ઉપર ન સમજી શકાય તેવી ગંભીરતા અને બેદરકારી હતા. અગ્યારમાંથી પાંચ વીર્યકણોને શીયાળામાં બરફ બનાવી તેને આવળ ઉગેલી જમીનમાં ઢબુરી દઈ, ગરીબી ઉપર બધા દોષોનું આરોપણ કરી નીર્દોષ છુટી જતા આ માણસ તરફ તેને તીરસ્કાર, ક્રોધ અને ગ્લાની પેદા થયા. સાથળના બહાર નીકળી આવેલા હાડકાં, નીચું નમી આવેલું પેટ અને અંદર ધસી ગયેલી છાતીમાં તેના કુટુંબની જીજીવીષા, તેની મોટી થયેલી છોકરીઓની અવળસવળ ઘસાતી જાંઘો, અને તેની પત્નીના બેસી ગયેલા મોંઢાંના હાડકાં તેને દેખાયા. તેની પારદર્શી દૃષ્ટી ધીમે ધીમે કરતાં ઘણું ઘણું જોઈ વળી. તે માણસના જન્મથી માંડી તેના અંતજીવન સુધીની બારીકીને વીગતથી જોઈ વળી. ઘરની મેલી થયેલી દીવાલો ઉપર લટકતાં કેલેન્ડર, પંચાંગ, જુનાં કપડાં, ફાટેલી છત્રી અને પીળા પડી ગયેલા મણકાવાળી માળામાં તેના દૈનંદીન જીવનના બધા ક્રમોને જોતી જોતી તેની દૃષ્ટી ઘરમાં અવ્યવસ્થીત પડેલા રાચરચીલાં અને અસબાબ વચ્ચે જીવતા કુટુંબના દરેક સભ્યોને, તેની ખાસીયતોને, તેની રુચીને, તેની હીનવૃત્તીને જોઈ વળી.

   તેને દુઃખ થયું. કોઈ પુરાતન કબ્રસ્તાનના અવશેષો ફરીથી ખોદી રહેલા શીયાળવાના તરડાયેલા નહોર તેની શીરાઓમાં ઉંડા ઉતરી ગયા. – તે ત્રાસી ઉઠ્યો.

   દીવાલને અઢેલી સુતેલા કુતરાએ ઉભા થઈ શરીર ખંખેર્યું. આજુબાજુની જમીન સુંઘી. દીવાલની ખરબચડી સપાટી સાથે શરીર ઘસ્યું. અને શરીરને ફરી ફંગોળી દૈ સુવા માટે આંખો બંધ કરી. તેની પહોળી નાસીકામાંથી થોડા અંધકારના ચોરસ દેડકાઓ ફુટપાથના લીસ્સા પથરાઓ ઉપર વેરાઈ ગયા. તેના બે વંકાયલા પગો વચ્ચે થૈ પસાર થતો તેની પુંછડીનો વળાંક આખી યે માનવજાતના કાર્યોનો આલેખ દોરતો દેખાયો. અને તેની વજ્રદૃષ્ટાઓ આજુબાજુ કુંડાળું તાણી બેઠેલા માછીમારોની તૂટેલી આંગળીઓ જેવી લાગવા માંડી.

   દુકાનોની ઉપરના બીજા માળે, કઠેડો પકડી ઉભેલી એક બંગાળી સ્ત્રીના બ્લાઉઝ વગરના દેહ તરફ તેની દૃષ્ટી ગઈ પાતળી સાડીના સળ વતી છુપાયેલા લચી પડેલા સ્તનો અને ખભા નીચેની ચામડીના કાળા લચકામાં તીમીરનું ધ્વંસ પામેલું કાળું ખંડેર તેને દેખાયું. પતીની રાહ જોતી આંખોમાં પેઢીને ચાલુ રાખવાની કોશીષ દેખાઈ, અને પલંગ ઉપર બરાબર ગોઠવેલા ઓશીકાં ઉપર લાળીયા કાનખજુરાનું ઝનુન દેખાયું. માણસોએ શા માટે જીવવું જોઈએ તેનું કોઈ કારણ, હેતુ, આ આખી યે પરીસ્થીતીમાં ક્યાંયે દેખાતો ન હતો. આ આખી યે કરામત કોઈ જંગલી નાગાપુગાં છોકરાએ કોઈને બ્હીવડાવવા કરેલી પથ્થર-દોરીની કરામત જેવી અહેતુક હતી. જુના પાષાણયુગના નિયમોથી સંચાલીત આ માનવવ્યવહારને સૈકાઓની અલપઝલપ અસર થઈ લાગતી ન હતી. બધું યથાવત્ હતું. વીકાસ ન હતો. ફેરફાર ન હતો. પ્રગતી ન હતી. શંખના વાંઝીયા પોલાણમાં ગુંચળું વળી મૃત્યુ પામેલી ગોકળગાયના પોલા શરીર જેવું સર્વત્ર બોદાપણું અહીં વરતાતું હતું.

   તેને લાગ્યું કે તે આ આખા યે માનવસમુદાયથી, માનવમહેરામણથી જુદો તરી આવ્યો છે. કાંઠાની ભીની રેતી ઉપર તે પડ્યો છે. તે અમીબા હતો, વ્હેલ હતો, શીલ હતો કે કોઈ વર્ષાદભીના અળસીયાંનો કાટમાળ હતો ? ભરતીનો દરીયો દુર ઘુઘવતો હતો, અને કાંઠા ઉપરની કાળી પડવા આવેલી રેતી ઉપર તેનાં આગવાં ચોક્કસ સ્વરૂપ વગરનો તે પડ્યો હતો. અંધારના ઢગલાબંધ પડેલા કણો વચ્ચે તે જીવવા માટે વલખાં મારતો હતો. કોઈ પ્રાકૃતીક પરીબળોથી ખેંચાઈ તે અહીં આવી પડ્યો હતો કે કોઈ ઉત્ક્રાંતીએ તેને આ અયોગ્ય પરીસ્થીતીમાં મુક્યો હતો તેનો ઉત્તર તેને તુરત જ જડી શક્યો નહીં. ક્રીયાશીલ દરીયામાં પાછા પહોંચી જવાની તેને ઈચ્છા થઈ. તેને લાગ્યું કે તેણે કોઈ પણ રીતે ત્યાં પહોંચવું જ જોઈએ. તેણે હાથ-પગ હલાવ્યા. શ્વાસ ઘુંટ્યો. રેતીના પહોળા વીસ્તારમાં તે વધારે ગરક બન્યો.

   તેને લાગ્યું કે તે વધારે ઉંડે જુવે છે. કદાચ તેને કોઈ વધારે ઉંડે જોવડાવે છે. અથવા કદાચ તેની દૃષ્ટિ વધારે ઉંડે જુવે છે. અને નહીં તો બધી જ ઉંડાઈ એ સપાટી છે કે જેથી તે તુરત જ ઉંડે જોઈ શકે છે. અચીંતી કોલાહલની અબરખ જેવી તીક્ષ્ણ પોપડીઓ હવામાં ફેલાવા માંડી. અબરખની પારદર્શીતામાંથી દૃશ્યોના લંબચોરસ ખંડો ઘુંઘળા દેખાવા માંડ્યા. સામેના સ્થીર મકાને એક વર્તુળ બનાવ્યું, અને એ વર્તુળમાં ઘેરાઈ ચક્કર ખાતો અંધકાર એક તંતુ જેવો લાગવા માંડ્યો. અજવાળાની સેરો આછોતરી બની આડીઅવળી દોડવા માંડી. અને વીજળીના થાંભલા ઉપર ચોંટેલા આગીયાની ઉઘાડ-બંધ પાંખોમાં પુરાઈ રહેલો સમય પીગળી જઈ ગઠ્ઠા જેવો બની ગયો.
(ક્રમશ....)


0 comments


Leave comment