4.4 - પૂર્તિ-૧ / મારી હકીકત / નર્મદ


   (સૂરતમાં બનેલા બનાવ અંગેની ડાહીગૌરીએ પોતાના હસ્તાક્ષરમાં નોંધેલી વિગતો સં.)
   પહેલા રામશંકર મારી કાકી પાસે આવ્યો ને કહ્યું કે હું તમને એક વાત કેહેવાને આવ્યો છઉં કે ડાહીગૌરીને તમારે સંભાળવા કારણ કે વખતે કવિસાહેબનો કાગળ આવે ને તેથી એ અકળાઈને નાનીબેનની જેમ ન કરે. ત્યારે તે સાંભળીને મોટાં કાકીએ મેહેતાજીને બોલાવ્યા ને પૂછ્યું કે રામશંકર આમ કેહે છે તે શું છે? ત્યારે તેણે કહ્યું કે મોટી કાકી તમારે કંઈ એ વાત પુછવાની નથી. એ કીકુ જોડે એનો ઘણો જ બગાડ છે ને એ કામ હાથથી ગયું છ ત્યારે મોટી કાકીએ કહ્યું કે અમે એ વાત સાંભળી નથી ત્યારે એણે કહ્યું કે તમે શું જાણો મોહોલ્લામાના મોટા મોટા માxxxx હxxxx સુનો છોકરો વગેરેના નામ ગણાવ્યાં ત્યાં કાળાભાઈએ કહ્યું કેહમે આજ સુધી એ છોકારીના ચેન એવાં દીઠાં નથી ને એવી હોય તો આટલું સહન કરીને રેહે નહીં. ત્યારે કાળાભાઈએ કહ્યું જો એવો વેહેમ હોય તો થોડા દહાડા અહીં રાખો અથવા મુંબઈ તેડી જાઓ. હું કંઈ એ વાત જાણતી નથી. તમને જો વેહેમ હોય તો. પછીથી મારા કાકીની ખાતરી કરી આપવાને માટે ઘણીઘણી વાતો કરી પણ જે ઉતારતાં પાર આવે નથી. મારાથી છાના બંન્યો જણા મારા કાકી પાસે ફેરા ખાતા ને અહીં સુધી કહ્યું કે કવિ (ને) કોઈએ નનામો કાગળ લખ્યો છે એ વિષેનો તો કવી પણ ગુસ્સે થયા છે. તેણ કોણ જાણે શું કરશે. એવો પાયો રચીને મુંબઈ આવ્યો ને

   ઉજ્જમને પણ ધમકાવીને કહ્યું કે તમે બધું જાણો છો ને જાણી જોઈને તેમ કરાવો છો રાતનો તે સુવા આવે છે પણ તમે છાનું રાખો છો વગેરે કહીને તેને (અવાચ્ય) બનાવી ત્યારે તેણે કહ્યું કે અમે કંઈ એવી વાતમાં સમજતાં નથી ને અમને આખો આમલીરામનો મોહોલ્લો ઓળખે છે ને માકુભાઈના ઘરમાં ભાડા વના રહીએ છઈએ તે જો એવા હત તો અમને કોઈ રાખે. એ લોકોએ એવી એવી વાતો ફક્ત મારા ઉપર દ્વેશ થકી જ બધું કીધું છે તેની સાબીતીઓ મારી પાસે ખુલી છે.

   [આ પંચાતથી કાળાભાઈ આપણા ઘરની વાતથી સારી પેઠે જાણીતો થયો એ બહું ખોટું થયું છે એમ ડાહીગૌરી નું કહેવું છે] કાળાભાઈએ કહ્યું કે કવિ તો કહે છે કે મારા માણસોએ કદાચ કીધું તો મને ન પૂછતાં બારોબાર આવી વાત કેમ ચલાવી? મારા માણસો તો એને વાસ્તે રડે છે. મારા માણસ એવા થાય તો દેવડી ઉપર ઉભા ન રાખું.

   કદાપી માણસોએ કીધું ને તેઓએ કવિને મોડે વાત કહેલી, નહિતો કવિ શું જાણે? એમાં કવિનો દોષ કહેવાય નહિ અને તમને તે માણસોએ કહ્યું છે કે બીજા કોઈને કહેશો નહિ કે ઉપરથી સાબીત થાય છે કે કવિ પુરેપુરૂં જાણે છે.
કાકી – (કાળાભાઈને) ત્યારે તમારો શો વિચાર?
કાળાભાઈ - મારો વિચાર તો એવો કે એવણે હવે જાવું જોઈએ. કવિની તબીએત સારી નથી ને કવિનો દોષ નથી.
નર્મદ - મારો છેલ્લો કાગળ આવ્યો ત્યારે શા વિચાર કીધા?
ડાહીગૌરી - બે કાગળ આવ્યા તેમાં તમારો મેં વાંચ્યો ને ઇંદુનો કાકાએ વાંચ્યો.
કાકી – હવે તારો શો વિચાર છે?
ડાહીગૌરી - જાવું.
કાકા – જાવા દો એની ખુશી હોય તો.

   પછી આવવાનું નક્કી કરી દીધા પછી મામા સાથે કાળાભાઈને કહેવડાવ્યું કે આજે નક્કી જવાનું જ માટે મળજો.
કાળાભાઈ – મારે ઘેર બધા બેઠાં હતા તેઓને કહ્યું કે ડાહીગૌરીએ તેડાવ્યો છે. મુંબઈ જવાના છેવટે એમ કહી આવ્યો.
ડાહીગૌરી - એ સાંભળી મને હસવું આવ્યું, મોટાઈ સાંભળી.
કાળાભાઈ – લાલભાઈએ કહ્યું કે કવિએ બાપુજીને કહ્યું કે કાળો તો બેવકૂફ છે. એવી એવી ડાહીગૌરી સંબંધી વાત થતી હતી તે ઉપરથી તેડાવવાનો કાગળ આવ્યો હશે.
ડાહીગૌરી - ના તેમ નથી, મેં કાગળ લખ્યો હતો તેનો જવાબ છે.
કાકી – મોકલીએ તો ખરાં તમારા સૌના કહેવા પ્રમાણે પણ હવે તમારે ઘરમાં પેઠા પછી બંદોબસ્ત થશે તે પ્રમાણે તમે કરજો. ને ડાહીગૌરી જશે એટલે તમે અહીં આવવાના નથી માટે મુંબઈ જઈ આવો ત્યારે ખબર અંતર બધી અમને કહેજો.
   (કમળ ને ઝીણુ મને સ્ટેશન ઉપર મુકવા આવ્યા હતા. ગાડીમાં મને હોરી, પારસેણ, કણબેણનો સાથ હતો ને તે પણ મુંબઈ આવનારી હતી.)

નર્મદ - સાડાત્રણ મહિનામાં કોઈ સગાને ત્યાં જમવા ગયલી?
ડાહીગૌરી - કોઈને ત્યાં નહિ. મામાએ કહ્યું હતું ખરૂં, ચાર દહાડા મારે ત્યાં આવી રહેજે.
નર્મદ - સાથે શું શું લાવી છે?
ડાહીગૌરી - ગાંસડી તો નહિ બતાવવામાં આવે.
નર્મદ - ત્યારે ભાંગ હશે કે કોઈનો કાગળ કે તેની આપેલી જનસ હશે! છેલ્લી અળગી ક્યારે બેઠી હતી?
ડાહીગૌરી - અધિક શ્રાવણ શુદ ૧૧ સાંજે ને બરોબર મહિને રાતે નવ વાગે.
(સમાપ્ત)


0 comments


Leave comment