4.6 - તા. ૯મી / મારી હકીકત / નર્મદ


ડાહીગૌરી - (મોહનલાલને) કેમ તમે જાણો છો કેની કે મેં તમારી સાથે શું કેવડાવ્યું હતું કે બાજી બધી ઉલટી થઈ ગઈ છે. માટે આ બાબત જલદીથી નિકાલ થવો જોઈએ.
મોહનલાલ - મેં કવિને કહ્યું હતું કે ડાહીગૌરી આવવાને તૈયાર છે પણ કાકા કહે છે કે કવિ આવશે તો જ મોકલીશ, માટે તમે જઈને તેડી આવો?

નર્મદ - તમે કેમ ન તેડી આવ્યા?
મોહનલાલ - મેં ડાહીગૌરી ને કહ્યું હતું કે ચાલો મારી સાથે પણ ડાહીગૌરીએ ના કહી કે હું આવું પણ મોટા કાકીની સામાં થઈ મારાથી અવાય નહિ, કમળ, કાળાભાઈ, મોટી કાકી, મોટા કાકા, સૌના વિચાર જુદા દીઠા કે જે સંબંધી હું કહેવાને સંકોચાઉં છું.

   તા. ૬ બુધવારે ડાહીગૌરીએ પીહેર કાગળ લખ્યો. તેની મતલબ તેણે કહી કે હું પોંચી છું. બૈરાંનો સંગાત ઠેઠ સુધીનો સારો મળ્યો હતો. ઇંદુ સ્ટેશન ઉપર તેડવા આવ્યો હતો ને ઘર આગળ મને પોંચાડી ગયો છે. તમે ફીકર ચિંતા કોઈ રીતે કરશો નહિ. કવિ મારા ઉપર કોઈ રીતે ગુસ્સે નથી. મને ઘટતું માન આપ્યું છે. આ બધી વાત સમજફેરથી બનેલી છે એમ મને પણ લાગે છે. ઇંદુભાઈના કાગળ સાચવીને રાખી મુકજો. કોઈને વંચાવશો નહિ. સૌને બોલાવશો.

   ડાહીગૌરી એ કહ્યું કે ઇંદુના કાગળ મોટા કાકાને લખેલા ને મને જે બે લખેલા તે તો બહુ જ ગલીચ જેમાં પોતાની, કવિની, મારી આબરૂને ગરીખત (?) લાગે તેવું છે. એક કાગળ તો મેં વાંચીને ફાડી નાખ્યો છે.

   ઇંદુના કાગળોની મતલબ-કે હું ઘણી દ્વેશી છું; બબ્બે વાર ભાંગ પીએ છે. તે પહેલાં દારૂ પીતી; ભાંગ, પાનસોપારી સારી પેઠે આપજો. પણ એની સખત ચોકી રાખજો નહિ તો તે ગાડીમાં ચઢી બેસશે; એ તો નીકળી જશે. કીકુ આપણા ઘર આગળ હુલ્લડ મચાવશે જેમ કવિને ઘેર મચાવતો તેમ; કવિના દુશ્મન કીકુને મળી એને ઉસકેરે છે વગેરે.

નર્મદ - ૧૮૮૧ તા. ૨૩ મી ડિસેમ્બરની રાતે હું સૂરતથી નિકળ્યો ને ૧૮૮૨ ની તા. ૧૬ મીએ તું પીહેર ગઈ એટલે ચાર મહિના અને ૨૩ દહાડામાં ઘર આગળ શા શા બનાવ બન્યા તે કહે.
ડાહીગૌરી - રામશંકર ને કીકુને લડાઈ થયલી ને વચમાં બે ત્રણ વાર મારે બોલવું પડયું હતું. મારે વચમાં પડી સમાધાની કરવી પડી હતી. એ સિવાય બીજું કંઈ નથી. વળી રામશંકર, નરભેરામ, ઉજમ એ માણસોની બેદીલી હતી.

નર્મદ - લડાઈ કેમ થઈ?
ડાહીગૌરી - ફાગણ કે ચૈતરણ હશે. બરાબર યાદ નથી. પણ એક દહાડો સાંજે પીહેરથી આવી ત્યારે મોલ્લામાં લોકે રેવાલાલ વગેરેએ મને કહ્યું કે આજ તો રામશંકર ને કીકુને ગલી આગળ લડાઈ થઈ હતી. રાતે રામશંકરને પુછ્યું ત્યારે તેણે વિગતે કહ્યું હતું. પછી વળી કેટલાક દહાડા પછી એક દહાડો બપોરે કીકુ પોતાના ઘરની બારીએથી મોટે સાદે બબડતો હતો કે કવિનાં ઘર વેચાઈ જવા હોઈને હું તે ઠેકાણે ઘર બંધાવીશ. પછી મને સૌ પુછવા આવશે. તે વેળા હું બોલી હતી કે ઘર વેચાઈ જશે ને અમે ભુખે મરીશ તોપણ તુને નથી પુછવાની કે મને મદદ કર. તારી હવેલી બંધાશે તેમાં અમારે શું? એવું એવું ભાષણ મારે થયું બારીમાંથી. પછી જ્યારે તેણે વધારે બોલવા માંડયું ત્યારે મેં કહ્યું કે બારીએથી શું બબડે છે. આવ અહીં મોખરે. ત્યારે કહે કે ‘હેં આવું, હેં આવું’, ત્યારે મેં કહ્યું, ‘હા આવ.’ પછી તે ગલીને નાકે આવ્યો. મેં થોડાંક વચન કહ્યાં. તેમાં એવું તે મારા માણસને ગાળો દે છે ને તેની સાથે લડે છે, ને મારે બારણે હુલ્લડ મચાવે છે. એ તું શું સમજીને કરે છે? તેણે તારૂં શું બગાડયું છે. તકરાર પડે તો મને કહેવું જોઈએ તારે વગેરે. એટલામાં રામશંકર સામાં ઘરમાંથી આવ્યો કે પછી બહારથી આવી પહોંચ્યા. રામશંકરને હાથ પકડી કીકુએ એવું કહ્યું તારી માને તારી બાને અથવા જે ગણતો હોય તેને પુછી જો. મેં તુને ગાળ દીધી છે? તું ખોટું ખોટું ડાહીગૌરી ને સમજાવીને તેને મારી સાથે લડાવે છે? તેં તે દહાડે મને ગાળ દીધી હતી કે નહિ, કહે સાળા! રામશંકર બચારાએ હા હા કહ્યાં કીધી ને આટલું બોલ્યા કે હવે તારે કરવું છે શું? કીકુએ મારવાને બૂટ કાઢયું ને ચોડતો જ હતો. મોલ્લાના લોક મળેલા હતા. સોનીઓ, કીકુના ભાઈઓ હતા. એમ બહુ લડાઈ થઈ. કીકુએ કહ્યું – હું કવિની કે કવિની રાંડોની દરકાર રાખતો નથી. (એ વેળા સવિતાગૌરી ઘરમાંથી સાંભળતાં હતાં) એ બધી વાર હું ઘરમાંથી બેઠી હતી તે બારીએ આવી કહ્યું કે શરમ છે કે કવિની દરકાર નથી રાખતો ને ખવાસીઓ નથી રાખતો. ને તેં તારી જાત દેખાડી. આટલી લગી બોલે છે વગેરે વગેરે. પછી કીકુએ પુછ્યું તમારી એવી જ મરજી છે કે મારે ખાસડાં ખાયાં કરવાં ને કંઈ જ બોલવું નહિ. એમ જ મરજી છે? મેં કહ્યું કે તારી જાતને જે ઘટતું હોય તે કર. હું તો તારા લક્ષણ જોયાં કરૂં છું. હું તો તને કંઈ કહેતી નથી, પછી કીકુ ગયો બબડીને કે હું તમે કહો છો માટે જાઉં છું.

   વળી માણેકઠારી પૂનમે કીકુએ પોતાના ઘરમાંથી મોટે સાદે પીછોડીમાં પથ્થર માર્યો હતો. ને બાબતમાં મેં જારે પૂછેલી ત્યારે કહ્યું કે મેં ઈચ્છુભટને ઘરના તથા મહાનંદ એ બેના સંબંધમાં મારૂં બોલવું હતું.

   રામશંકરે મને કહેલું કે મેં પુરાવો એકઠો કીધો છે ને હું ફરી બાર પાડનાર છું પણ હરકત માત્ર એટલી જ છે કે વખતે તમારે ત્યાં આવવું પડે. મેં કહ્યું કે મારો ધણી શહેરમાં નથી ને એવા કામમાં મારે વચમાં આવવું પડે એ મને સારૂં લાગતું નથી માટે મારી મરજી નથી. કવિને પુછાવો.

   પછી રામશંકરે શું કીધું તે હું જાણતી નથી. એ કામ મેં વચમાં પડીને માડી વળાવ્યું ને કવિ જેમ સલાહ આપે તેમ કરો.
નર્મદ - હવે રામશંકરને બેદીલી શી (૧) ઘરસંબંધી (૨) તારા સંબંધી ને (૩) પોતાના સંબંધી ને (૪) મારા સંબંધી?
ડાહીગૌરી - (૧) ‘મને તમારે જે કંઈ કામ સોંપવું તે ચિઠ્ઠીથી’ એવી એવી તરેહનું; કહેલું કામ તો કરતા; સાચી તમારી, ઘરની દાઝ તો ખરી.
(૨) એવું ધારવામાં આવે છે કે તેને મારી રીતભાત પસંદ નહિ આવી હોય.
(૩) તમારા સંબધી તો કંઈ નહિ.

નર્મદ - નરભેરામ સંબંધી?
ડાહીગૌરી - આગળ લખાવેલું જ છે.
નર્મદ - ઉજમ સંબંધી?
ડાહીગૌરી - સવિતાગૌરીને ઉજમને કંઈ વાત થયેલી, મારે ને ઉજમને કંઈ વાત ન થયલી. પછી તે કંઈ ખુલ્લી પડેલી તે ઉપરથી ઉજમની બેદિલી, એક વાત નરભેરામ સંબંધી ઉજમે મને કહેલી તે કંઈ મારાથી નરભેરામને કેવાઈ ગઈલી ને તેથી ઉજમની બેદિલી.


0 comments


Leave comment