૯ કાચના મકાન તને ખમ્મા….. / રમેશ પારેખ


ફૂટવાની બીકના ભમ્મરિયા ગામમાં કાચના મકાન, તને ખમ્મા
મારા કાચના મકાન, તને ખમ્મા

પાળિયા ઉઘાડતાંક દિવસો નીકળીને
સૂની શેરીઓમાં ચકરાવા મારતા
ભીડ્યા દરવાજાની આરપાર દેખાતી
માથા વિનાની કોઈ વારતા

ગાઉં ગાઉં છેટેથી ગોફણમાં વીંઝતાં આવે મેદાન, તને ખમ્મા
મારા કાચના મકાન, તને ખમ્મા

ઊંબરની કોર લગી ખરીઓની ટાપ
ધૂળ ઊડે ને થાય પછી ભડકો
મધરાતે કોઈ સૂર્યવંશી અસવાર
અહીં નીકળે ને વેરાતો તડકો

વ્રુક્ષોને ઊગી હો લીલીછમ જીભ એમ બોલે છે પાન, તને ખમ્મા
મારા કાચના મકાન, તને ખમ્મા.