૩ સૂરજની જેમ સો સો કિરણમાં ઢળ્યાં તમે / શ્યામ સાધુ


સૂરજની જેમ સો સો કિરણમાં ઢળ્યાં તમે,
મારી હરેક કલ્પનામાં નીકળ્યા તમે.

દ્રષ્ટિની સામે એક કમળવન ઝૂલી ગયું,
તરતી રહી તરસ અને મનમાં ઢળ્યાં તમે.

રણમાં ઉદાસી વિસ્તરીને ચાંદની બની,
પથ્થર સમો સમય છતાંયે પીગળ્યાં તમે.

આ આગિયાઓ જાણે કે દીપક પ્રવાસના,
-મારાં તિમિરમાં જ્યારથી આવી ભળ્યાં તમે.

ઘરની દીવાલે મોગરાની ભાળ ના મળી,
ઝૂક્યાં સૂરજનાં ફૂલ તો શમણે મળ્યાં તમે.