૬ ટેવના દરિયા તો લીલાંછમ ભર્યા છે / શ્યામ સાધુ


ટેવના દરિયા તો લીલાંછમ ભર્યા છે,
તોય કારણનાં હરણ તરસે મર્યા છે.

અહીં અજાણ્યા શખ્સ જેવી કામનાઓ,
ત્યાં પ્રતીતિનાં નર્યા ધુમ્મસ તર્યા છે.

-સાવ ધીમે ચાલનારો કાચબો છું,
પણ સમયના સ્પર્શને સૂરજ કર્યા છે.

શ્વાસ બદલે અર્થને ઓઢું પરંતુ,
ઘર ઉપર શબ્દો નથી, નળિયાં ભર્યા છે.

કાં કીરમજી શહેરમાં ભૂલાં પડ્યા છો,
કાં પરિચયના દીવા તાજા ઠર્યા છે.