૫૪ પછી / શ્યામ સાધુ


ઘસમસતા
રસ્તાઓની વાત
શહેરો ઉતારી પાડે છે જ્યારે
ધીમા ધીમા ખાંસતા
છેલ્લા પહોરનાં કૂકડાઓની સંગે
ઈમરજન્સી વોર્ડનાં
દર્દીઓ જાગી શકતાં નથી જ્યારે,
બારીઓ ટપટપ કરવાનું ભૂલી જઈ
ગુડ ફ્રાઈડેની પ્રાર્થનામાં
હાજરી આપી શકતી નથી જ્યારે,
ત્યારે જ
શહેરોનાં રસ્તાઓ
બગાસાં ખાતાં ખાતાં
શેરીઓ લંબાવ્યે જાય છે પછી.
કૂકડાઓ વેશ બદલી
અખબારોનાં ફેરિયાઓ બની જાય છે પછી.
ગુડ ફ્રાઈડેનું નામ
શુક્રવાર પડી જાય છે પછી.