૩૪ ફૂલો સમું જ હોય ‘ને કાંટામાં સંભવે / શ્યામ સાધુ


ફૂલો સમું જ હોય ‘ને કાંટામાં સંભવે,
વિસ્મય કહો તો વિસ્મય, વિસ્મયમાં સંભવે.

ઘટનાની માયાજાળની કાયા મળે નહીં,
કૈં કેટલુંય હોવું અચાનકમાં સંભવે !

પાછળ ઉદાસ શહેર ભલે ઊંઘતું રહે,
આગળ તમારી યાદ જો સૂરજમાં સંભવે.

સૂરજમુખીની ટેવ સમા આપણા સંબંધ,
આકાશ જેવું એટલે મારામાં સંભવે.

થાતું કે જૂઈ જેવી નદીમાં તર્યા કરું,
થાતું કે મ્હેક જેવું તમારામાં સંભવે.