૨૯ મ્હેલ પત્તાંનો અધૂરો કાલનો / શ્યામ સાધુ


મ્હેલ પત્તાંનો અધૂરો કાલનો,
ક્યાં ગયો ખોવાઈ એક્કો લાલનો?

આવ તારા સ્પર્શનો મહિમા કરું,
પ્હેરી લઉં જ્વાળામુખી હું વ્હાલનો.

મારું શું, યાયાવરી પંખી સમો,
તું જ તરસ્યો દરિયો સો સો સાલનો.

ગુલમહોરી ટેવ ! વારી જાઉં હું,
રિક્તતા મ્હેંકી, અનુભવ કાલનો.

ક્યા ગુલાબી શ્હેરની રોનક વધી,
ક્યાં ઝીલાયો ભાવ તારા ખ્યાલનો?