18 - એક પંગુ / કિશોર જાદવ


   હજી સુધી શુશી આવી નહોતી.
   દિવસભરના આકરા તાપ પછી ઠંડી હવા આવી રહી હતી. પણ એમાંય હળવી કાતિલતા હતી. લાકડીના ટેકે એ ઊભા થયા ને ડગુમગુ ચાલતાં, શુશીના ઘર સુધી પહોંચ્યા. પાતળા તેજમાં રહી રહીને આજુબાજુ જોવા મથ્યા.
   ‘શુશી...બેટા શુશી .....’

   ઘડીભર, બંધ બારણા આગળ એ વિમાસતા ઊભા રહ્યા. ને ધીમે ધીમે થરકતાં પગલે પાછા ફર્યા. સવારથી શુશી દેખાઈ ન હતી. ને પોતે ક્યાંયવાર સુધી બહાર ચૂપચાપ બેસી રહ્યા હતા. ઘરમાં દાખલ થતાં, એમની આગળ ને આગળ તરવર્યા કરતી ઝાંખપ, એકાએક હાલી ઊઠી. ભીંત પર હાથ રાખતાં, એ થંભી ગયા. ‘કંઈક તો બોલવું જોઈએ ને !' એ બબડ્યા. આજ એ કશું જ બોલવા પામ્યા નહોતા. કંઈ પણ નહિ. હવે, દિવસ પર્યંતના મૌનની ઘેરાશ એમને વરતાવા લાગી. એના ભારમાંથી છૂટવાનો પ્રયત્ન કરવા જતાં, એક દીર્ઘ શ્વાસ નંખાઈ ગયો. એમને એ જ અસહ્ય લાગતું હતું – એમની પત્નીનું બળાપાભર્યું મૌન. પણ એનો સ્વભાવ જ એવો હતો. જ્યારે જુઓ ત્યારે, કંઈ ને કંઈ આડુંઅવળું કામ કર્યા કરતી હોય – મૂંગા મૂંગા, જોઈને ક્યારેક પોતે ઉશ્કેરાઈ ઊઠતા. ત્યારે એ તીક્ષ્ણ નજરે એમની સામું ટગર ટગર જોયા કરતી. અને.... આમ તો એમને ય સૂઝ આવી ત્યારથી, એ મૌનને ઓળખતા હતા – પામી ગયા હતા. ને એના કારમા શ્વાસ સાથે પોતાનો શ્વાસ ભેળવીને જીવતા હતા. પણ કંઈક તો બોલવું જોઈએ ને ! એણે કંઈક તો કહેવું જોઈએ ને ! રાત્રે, નિરાંતની પળે એક વાર એમણે પત્નીને સાદ કર્યો. પ્રથમ તો અંધકારના સળનો નાજુક ઘસારો સંભળાયો. ખૂણામાં, પથારી પર એ બીડીનો દમ ભીડતા રહ્યા. ખ્યાલ હતો કે એમની નજદીકમાં આવીને એ મૂકપણે ઊભી હતી.

   ‘તારો હાથ લાવ તો.'
   એ ગુસ્સે ભરાયા. અને સામેથી લંબાયેલા હાથ પર સળગતી બીડી ચાંપી ! અંધકારમાં સિસકારો સરી પડ્યો. ને એ જોરથી હસ્યા.
   ‘બીજું શું થઈ શકવાનું હતું તમારાથી? આજ.... ને.... !’
   ‘તો બીજું શું કરું.... બોલ? હં.....' ઉત્તેજનામાં એ બોલ્યા. ને એકાએક ચૂપ થઈ ગયા. એ હાડેહાડમાં ઊતરી ગયેલી ભારેખમ ચુપકીદી વચ્ચે, ત્યારબાદ કલાકો સુધી સૂનમૂન બેસીને બીડીઓ ફૂંક્યા કરતા. એના લીધે ઉધરસે જોર પકડ્યું હતું. એનો ખ્યાલ આવતાં એ ઝડપથી બહાર નીકળ્યા. રસ્તા પર વેગભેર દોડ્યે જતા ભારે વાહનનાં પૈડાંઓ ચીંચવાઈ ઉઠ્યાં. એમને કશોક અજંપો થઈ આવ્યો. ઉધરસ ઊપડતી હતી ત્યારે પહોળા થઈ જતા બંને હાથના અક્કડ આંગળાઓ ભોંય પર ચપસી રાખવા પડતાં હતાં. એ વેળા, બેવડ વળી જતા આખા શરીરમાં ભયંકર બળતરા ઊઠતી હતી. ગળાની નસો ખેંચાઈ આવતી હતી અને શ્વાસ તૂટી જતો હોય એમ લાગતું હતું. પણ એ ય આદત બની ગઈ હતી. ત્યારે સામેથી કોઈકનો અણસાર વરતાયો. એ થંભ્યા. થોડી ક્ષણો બાદ જોયું તો, શુશીની મા કામ પરથી આવી રહી હતી.

   ‘શુશીને જોઈ, આવતાં ..?' એ બોલ્યા.
   ‘ના. કેમ, તમારે ત્યાં નથી ?' કહેતાં, એના ફંગાતાં પગલાં બારણાં તરફ વળ્યાં. પાલવ તળે ઢંકાયેલા પેટનો આગળ તસતો ભાગ સહેજસાજ દેખાયો. ‘એટલામાં ક્યાંક રમતી હશે...’

   સાંભળીને બેધ્યાનપણે એ કશુંક બોલવા મથ્યા. આખરે, દૂરની ઝગતી બત્તીના લીધે અસ્થિર બની ઊઠેલા સાંજના ઓળાઓમાં એ આગળ વધ્યા. ‘ઉધરસ ના ચઢે તો ઠીક,' એમણે વિચાર્યું. ‘શું...? હં... ગમ્મતને ! પણ આજ ફરકી જ નથી, આ બાજુ.....' મનોમન ગણગણ્યા. પાસેના છાપરામાંથી મજૂરોની વાતચીત સંભળાઈ. ને પાણીના હોજ આગળ એ ખમચાયા. અણજાણપણે, આખા શરીરમાં તીવ્ર ધ્રુજારી ફરી વળી. રસ્તા પર નવી ચાલ બંધાતી હતી. ત્યાં શુશી ક્યારેક છૂપાઈ જતી. ત્યારે પોતે એટલામાં, આજુબાજુ આંટા મારતા - શુશીના ખિલખિલાટ હાસ્યને પકડી પાડવા. ને એમ મોડે સુધી ભારે રમૂજ ચાલતી. વિચારતાં, સ્કૂર્તિભેર એમણે પગ ઉપાડ્યા. એક પછી એક મકાનમાં ઝૂકતાં, મોટેથી અવાજ કર્યો : ‘શુશી બેટા.. શુશી !' નિસ્તબ્ધતામાં એમને ફક્ત લાકડીના ઠપાકા સંભળાઈ રહ્યા. એકાએક ભાન થઈ આવ્યું. લાકડીને ઝાલીને, એમની સાથે ને સાથે કોઈ ચાલતું હોય એમ લાગ્યું. એ ગભરાયા. ‘કોણ છે? કોણ છે?’ પાછળ ફરી જોયું. ઇંટોડા પર પગ આવતાં, એ લથડિયું ખાતા રહી ગયા. ત્યારે લાકડીને નીચેથી બાઝી પડીને કોઈ જાણે પોતાને નીચે, અગાધ ઊંડાણમાં બળપૂર્વક ખેંચી જતું હોય એમ લાગ્યું. ને એમ એ જાણે ક્યાંક અવાવરુ વાવમાં ઊતરતા - ઢસડાતા જતા હતા. ‘શુ...શી...' એમનો ફાટેલો અવાજ ચારેકોર પડઘા પાડીને શૂન્યમાં ડૂબી ગયો. ભયવિહવળ દશામાં એ ઊભા થયા. ને દૂર દૂરથી બત્તીના પ્રકાશમાં, નાસભાગ કરતી નાની નાની આકૃતિઓની કિલકારીઓ સંભળાઈ. એ દિશાને વળગી પડીને બહાર આવવા મથતા, હાંફતા, ઉતાવળા પગલે, મેદાન નજીક આવ્યા. કપાળ પરનો પરસેવો લૂછ્યો. ઘાસની સુંવાળી ભીનાશ એમને ગમી. બત્તીના થાંભલાને પકડીને, એની આસપાસ ચકરડી ખાતા ભૂલકાં, બૂમરાણ મચાવતાં હતાં. વળી ત્યાંથી વિખેરાઈ જઈને આમતેમ ઊછળતાં, ચારે તરફ ઘૂમી રહ્યાં હતાં. આંદોલિત થઈ ઊઠેલી હવામાં, એ તરફ ક્યાંયવાર સુધી, અનિમિષ નજરે મીટ માંડી રહ્યા.

   ‘શુશીને શોધો છો?' પ્રથમ તો એ ચમક્યા. સામે વિનુ ઊભો હતો. ‘શુશી ઘેર ગઇ. તમારે ત્યાં.' કહીને, એ કૂદકા ભરતો, તરવરાટભર્યા પ્રકાશમાં દૂર સરકી ગયો.

   ઊઠીને એ ઘર તરફ વળ્યા. ત્યાં પહોંચતાં જોયું તો, કોઇ નહોતું.
   ‘છોકરાં...વ.’ હસ્યા. ‘હી....હી....હી... ખરાં છે, છોકરાં.. વ.’
   બીડી સળગાવીને, ભીંત ઓથે બેસી પડ્યા. જલતા ધુમાડાને, શ્વાસ સાથે ઘૂંટીને, મોંએથી સુસવાટો બોલાવ્યો. ને એકાએક તીણી ચીસ સંભળાઈ – શુશીના ઘર તરફથી. શુશીનાં બા-બાપુ લડતાં હતાં. ઝાપટમાં ફાનસ હોલવાઈ ગયું. કાચના તૂટવા સાથે ફરીથી ચિચિયારી સંભળાઈ. થોડી વાર બન્ને વચ્ચે ટપાટપી ચાલી. બારણાંનો કિરરાટ અવાજ થયો. ને જોશભેર કશોક ધબકારો, પડતો-અફળાતો બહાર ધસી આવ્યો. થયું કે બન્નેને કંઈક કહેવું. પણ એથી કશો જ ફરક પડવાનો નથી, વિચારીને, શાંત બેસી રહ્યા. ને અચાનક શુશી દેખાઈ. ટચૂકડાં પગલાં ભરતી, બન્ને બાજુ માથું ઝુલાવતી. ત્યાં ઘર આગળ આવી. ક્ષણભર સમસમીને ઊભી રહી ગઈ. ને ગભરામણમાં ત્યાંથી એણે દોટ મૂકી.

   ‘શુશી...' એ બોલ્યા.
   આવતાંવેંત, એમના ખોળામાં એ લપાઈ ગઈ.
   'ક્યાં ગઈ હતી, બેટા તું?’ એના માથા પર હાથ પંપાળ્યો.
   ‘અમે રમતાં'તાં.. બધાં.'
   ‘પણ અત્યારલગી શું રમતાં'તાં?'
   ‘કહું...?' ઉત્સુકતાપૂર્વક ઊભી થઈ ગઈ. ‘કહું...હં... અં...’ યાદ કરતી હોય એમ, નીચલા હોઠ પર આંગળીને દાબી રાખી : 'તડકી-છાંયડી..’ ને હર્ષાવેશમાં નાચી ઊઠતાં, ખિલખિલાટ હસી પડી ‘કાન્તુ છે ને તે જાય... નાઠો... આપણા કાબરા કૂતરાએ એની પાછલી ચાળ ફાડી ખાધી... ગમ્મત આવી ગઇ...’
   ‘અહીંયાં તો તું આખો દા'ડો નહિ દેખાઈ ?’
   ‘તમે ગમ્મત નથી કરતા જાઓ...’ રિસાઈ જતાં એ બોલી.
   ‘સારું બેટા... કહે જોઈ... શુશીની બા કેવી રીતે ચાલે છે?’

   શુશીએ, બન્ને હાથનો પેટ આગળ લાંબો વર્તુળાકાર બનાવ્યો અને લગભગ ઘસાતા પગે ચાલવા લાગી. એ સાથે બન્ને ખડખડાટ હસી પડ્યાં. ધુમાડાના લીધે એમની આંખોમાં પાણી ધસી આવ્યું.
   ‘નહિ... તમે ગમ્મત કરો...' કહીને શુશી પીઠ પાછળથી એમના ગળે ટિંગાઇ.
   ‘પણ ભૈ, તું છોડ તો ખરી !' ગળાને ભીંસતા શુશીના બન્ને હાથને છૂટા કરવા એમણે યત્ન કર્યો.
   ‘નહિ...નહિ...નહિ છોડવાની...’

   એમને રૂંધામણ થવા લાગી. આંખે અંધારાં આવી ગયાં. ‘પણ...પણ...ભૈ...’ જીવ ટુંપાતો હોય એમ લાગ્યું. ‘પ...ણ... છો...’ ડાવાં ભરતાં, શુશીના હાથ પર સળગતી બીડી ચંપાઇ. ને ચિત્કાર પાડતી શુશી ત્યાંથી નાઠી. ઘડીભર એ સજ્જડ થઇને ત્યાં બેસી રહ્યા. આખરે ધીમે ધીમે શુશીના ઘર તરફ ચાલી નીકળ્યા. એની બા આંગણામાં હજી દબાયેલાં ડૂસકાં ભરતી, કણસતી પડી હતી. ને એ પાણીના હોજ આગળ આવી થંભ્યાં. અન્યમનસ્કપણે, લાકડીથી પાણીને હલાવવા લાગ્યા. એકાએક મનમાં કશીક અરેરાટી વ્યાપી ગઇ. અત્યારે તો એ ઊંઘમાં આટોપી ગઈ હશે, વિચારીને ઝડપથી પાછા ફર્યા.

   ઘરમાં દાખલ થતાં ખમચાયા. ચારે તરફ કશીક અજાણ એવી અરાજકતા ફેલાઈ ગઈ હોય એમ લાગ્યું. ને એ આંધળા સૂનકારમાં, પ્રથમવાર ભયભીત બની ઊઠ્યા. ત્યાં કોઈ નહોતું. એમની પત્ની નહોતી. શુશી નહોતી. “અત્યારે શુશી હોત તો સારું.' એમણે વિચાર્યું. પણ...


1 comments

JayBarochiya

JayBarochiya

Nov 30, -0001 12:00:00 AM

3jrrkrk

0 Like


Leave comment