8 - અંત / રાજેશ વણકર


   આ વાર્તાના અંત સુધી પહોંચવા તમે અહીં માથું નાખ્યું હોય તો હું તમને પહેલાં કહી દઉં કે તમે બીજું કંઈક વાંચવામાં, તમારા કામમાં, અરે ! ફિલ્મ જોવામાં, પત્ની-પતિ કે ગર્લફ્રેન્ડ/ બોયફ્રેન્ડ સાથે ફરવામાં, પીઝા ખાવામાં, ચા પીવામાં, વોટ્સએપ કે ફેસબુકમાં ડૂબી જવામાં કંઈ પણ... કંઈ પણ... કરવામાં લાગી જાવ. તમે મુક્ત થાવ. અને ખાસ જણાવું કે આ વાર્તા વાંચીને તમારી અપેક્ષાઓ ન સંતોષાતાં તમે નિરાશ થવાના, કારણ કે વસ્તુ કે પાત્ર કે ધ્વનિ કે તમને ગમતું કોઈ સંવેદન એવું કંઈ પણ શોધવા, મેળવવા બેઠા હો તો એ નઈ થાય; પણ શું થાય ? આ મારી પેન, એનો પોઈન્ટ, સહીં, તેનો જન્મ ને પછી તમને... જવા દો પણ પેલો અંત જે તમારે જોઈએ છે એકાદ મિનિટ પહેલાં તમને મેં જણાવ્યું તે અંત, આ વાર્તાનો અંત તે આટલો જ છે કે –

   આશ્ચર્ય ન પામતા પણ અંતે પેલો માણસ જે હજુ આવ્યો નથી એ જ માણસ સફરજનની લારી પાસે આવીને અટકે છે ને –
   શું ભાવ ?
   ચાળીસ રૂપિયે કીલો.
   એ ચાલવા માંડે છે.
   ને પાછળ
   પાંત્રીસ સાહેબ...
   એ પાછળ જુએ છે.
   ત્રીસ.... ત્રીસ... ત્રીસ સાહેબ ત્રી....

   બે વાર પાછું વળી વળીને જોતાં પેલો માણસ ત્રી... જ બોલે છે ને છેલ્લે તો ત્રણ આંગળીઓ જ ઊંચી કરીને આશાસ્પદ નજરે... ને પછી આ સાહેબ પાછા આવે છે ને ખરીદે છે. એ પહેલાં પેકીંગ પણ શરૂ.... પણ લારીવાળાની કથા અસ્ખલિત.... શું ધંધો ? ધંધો કરવાનું મન જ નથી થતું અરે ! આ લાવ્યોતો પણ પેલા બજારમાંય આવું... અહીં પણ આવું, ત્રીસ આખરે ત્રીસ.... બૈરી કે છે કે –

   નાણાંની આપ-લે ચાલે છે. ચાલુ વાતમાં લારીવાળાના અસ્ખલિત પ્રવાહ વચ્ચે આ સાહેબ દોડવા જ માંડ્યા કોઈને અથડાયા, પડતાં પડતાં સોરી સોરી કરતા સીધા રેલ્વે સ્ટેશનમાં...
   આ હતો અંત. શું કામ હજુ આગળ વાંચો છો. લો કહી દીધો. જેનાથી નિરાશ જ થવાનું છે એ નિરાશા આ અત્યારે જ આપી તમને તમારા સ્વાસમાં પૂરી.... ચાલો એક ઊંડો નિશ્વાસ નાખીને સાહિત્યવિષયક નિરાશાઓ પ્રગટાવતા ઉભા થઈ જાવ એટલે પત્યું. અને વધુ આગળ વિચારવું હોય, આપણી વચ્ચેના સમયને જરાક રોકી રાખવો હોય તો આ અંત શેના કારણે આવ્યો ? અહીં એ શાના કારણે આવ્યો એ કહું. અને જો તમને સફરજન વાંચીને બાળકો માટે ઘેર સફરજન લઈ જવાની ઉતાવળ ન હોય તો, તમારો ધંધો ના બગડતો હોય તો, તમારે ચા પીવી પડે એવી પરિસ્થિતિ ના ઉભી થઈ હોય તો, કે તમારે અહીંથી સગેવગે ના થઈ જવું હોય તો...

   બન્યું એવું કે આ સાહેબ એક છોકરી પાસે બેઠેલા હતા ત્યાં વાર્તાનો મધ્યાંતર. પણ તમે અંત શોધતા હશો એમ ધારીને મેં આવી વાત તમને ના જણાવી. નહીંતર તો માંડીને વાત કરવાનો જ હતો. સરસ ગોઠવણ કરવાનો હતો. શરૂઆતમાં એક સરસ દશ્ય મૂકવાનો હતો તેને સાધક બને એમાંથી જ જન્મે એવું પાત્ર મુકવાનો હતો અને પછી આ છોકરી એટલે કે મધ્યાંતરે આવું ત્યાં સુધીમાં તમે સંપૂર્ણ એમાં ડૂબી ગયા હોત. પણ તમારે ચા પીવી છે. સિગારેટ પીવી છે.... ગોળી લેવાની છે. છાપું વાંચવાનું બાકી છે. જાહેરાતો જોવાની છે. ક્રિકેટમાં કોનો સમાવેશ કોની બાદબાકી? નરેન્દ્ર મોદીનું હવેનું વલણ શું છે? અને કોંગ્રેસ એનો શો પ્રતિભાવ આપે છે એ જોવાનું છે. બીજું તો ઠીક પાકિસ્તાન હવે ક્યા માર્ગે છે. પેલું અમેરિકા મહાસત્તા બનવા ક્યા પ્રયાસો કરે છે ? વિજ્ઞાનની કઈ શોધ નવી થઈ છે ? સમાજ ક્યા માર્ગે છે ? તમારા ગ્રુપમાં કોણે શુ મેસેજ મુક્યો એ જોયા વિના ફોરવોર્ડ કરવાનો, એફ બી પર અવનવા મિત્રો પાસેથી આષ્ચર્યો ભેગાં કરવાનાં, લાઇકો ને કોમેન્ટો કરવાની,આ બધાની વચ્ચે ઘરનું શાકભાજી બાળકો... અભ્યાસ... ટ્યુશન... ક્લાસ... દાણા-પાણી... ખેતર..... શેઢા.... ધંધા રોજગાર કેટકેટલું આ વાર્તા રોકીને બેઠી છે. એટલે જ અંતની આખી વાત તમને જણાવી દીધી પણ હજુએ તમે માથું ઘાલેલું જ રાખ્યું છે એટલે આ અંતનો જન્મ કેવી રીતે થયો એ જણાવવાનું મન થાય છે. અને મન થાય જ તમે આંખોને અહીં સ્થિર કરી છે. જોવો લપકારાય મારતી નથી ને પાછા શબ્દેશબ્દમાં નવા દૃશ્યની શોધમાં હોય એવું લાગે છે આગળ વધવું છે ? એટલે કે મારો કહેવાનો અર્થ કે તમારે પાછા આ વાર્તાના મધ્યાંતરને અને અંતને જન્માવનારા વાર્તાના ભાગને જોઈ જવો છે. તો કહીં દઉં. પણ એક શરતે તમને લાગે કે વાર્તાની પણોજણમાં ખોટા ફસાઈ બેઠા આ આવું વાંચવાની જગ્યાએ ક્યાંક ગઝલ, ટુચકા કે એવું એવું વાંચ્યું હોત તો સારું... ઈન્ટરનેટ પર બેઠો હોત તો સારું. મોબાઈલ પર ઓનલાઈન રહી કશુંક વાંચ્યું હોત તો સારું કે ગમતી નવલકથાનો ગમતો ભાગ ફરી ફેરવી લીધો હોત તો સારું, અરે, પેલી ઘરની ને બહારની પણોજણો માટે સમય ફાળવ્યો હોત તો સારું. આકાશને કે ભીડ ભર્યા રસ્તાને થોડીક વાર તાકી રહેવાનું આના કરતાં સારું.આવું કંઈક થાય તો ચોક્કસ તમે આ મધ્યાંતરને ઉતાવળથી જોઈ જઈને પછી શરૂઆત કેવી હતી? શું હતું ? એ બધી વાતોમાં પડ્યા વગર ઉભા થઈ જજો નહીંતર....

   તમે મોબાઈલ પણ ઓફલાઇન કરી રહ્યા છો એટલે મારે જરા ઉતાવળ કરવી પડશે વાર્તાનો મધ્યાંતર કહેવા માટે. વાત જાણે એવી બની કે –
   સાહેબ ત્યાંથી આગળ વધ્યા. જવું હતું એક્સપ્રેસમાં પણ લોકલ આવી. ખાલી હતી. બસની સ્થિતિ જરા સારી હતી એટલે બારણા પાસે ઉભા રહ્યા. ઉતરતા ચહેરા જોતા. કોઈ બાળકને અને થેલાને બન્નેને ન્યાય આપવામાં વ્યસ્ત, કોઈ ઉતરવા માટે જહેમત ઉઠાવે, કોઈ જાણે મહારાજા ઉતરે એમ ઉતરે. કોઈ આગળ પાછળ થવામાં કોઈ બસસ્ટેન્ડ ઉપર પરિચિતને શોધવા મથે. કોઈ.. કોઈ કોઈ, શું? એજ? ના હોય હોય જ અરે! આટલા વર્ષે પણ આ એજ એજ અરે ! એજ ત્યાં કાન પર – ‘સપનું સાચું પડ્યું.’ સપના જેવા જ શબ્દો એજ અવાજમાં.
   - શાનું સપનું !
   - મને આજે જ સ્વપ્ન આવ્યું હતું. તું બસમાં મળ્યો.... મે જોયો... બાજુવાળાને કહ્યું પેલો રમેશ છે ! જવાબ હામાં મળ્યો એટલે આપણે મળ્યા, ઘણી વાતો કરી, ઘણી, ઘણી બધી. અને ઊંઘ ઉડી ગઈ સવાર પડી ગઈ.
   - તને હજું સપનાં આવે છે મારાં ?
   - કેમ ના આવે ! એ દિવસો, તારું દોડવું ને મારું પાછળ ચાલ્યા જ કરવું ચાલ્યા જ કરવું.
   - હં.
   - પરણી ગયો ?
   - હ..... હ .... હા.
   - શું નામ છે ?
   - રશ્મિ.
   - સરસ, ફોટો બતાવને?
   - નથી રાખતો, બૈરીનો ફોટો રખાતો હશે ?
   - તો કોનો રખાય !
   - ..........
   - તું બદલાયો છે.
   - કેવી રીતે !
   - આટલી વાર સુંધી તો જીવનમાં પહેલી વાર આપણી વચ્ચે સંવાદ ચાલ્યો.
   - તું બદલાઈ નથી. કેમ છે તારા એ અને...
   - બધું જ મસ્ત... સરસ ચાલે છે. બાળકો મઝા કરે છે.... ભણે છે.... હું ઘર સાચવું છું.
   - સરસ.
   - પણ આટલા વર્ષે હજું થાય છે કે તું “હા” બોલી ગયો હોત તો અત્યારે કેટલી મસ્તીથી જીવતાં હોત.
   - (હજું શું મોડું થયું છે.) પણ પણ હું એ સમયે ભણવામાં....
   - સાથે ભણાયું હોતને !
   - તને ગાળો બોલવાની છૂટ છે.
   - તારું કેવું....
   - .................
   - પણ તું જરા શાંત રહેજે ચાલ મારે મિટિંગ છે આ બસ આવી હું જાઉં ?
   - મળીશ ને પછી એક વાર ભરપૂર મળવું છે.
   - ....... (ભરપૂર... ભરપૂર... ભરપૂર)
   - તારો નંબર બોલ ફટાફ્ટ
   - નાઈન..એઇટ..નાઈનએઇટ... સેવન..
   - ઓકે બાય... હું મિસ કોલ કરું છું. અને શું કહ્યું, તારે તો શાંત જ રહેવાનું છે. અને આપણે તો આપણે તો.....
   - અને બસ ઉપડી ગઈ ધૂળ તેના પર છવાઈ ને એ ધૂળ આંખોમાં પડી. પેલો હાથ બારીમાંથી હાલ્યા કરતો હતો. અને એ સ્થિર હતો. ત્યારે એને ખબર ન પડી પોતાની છેલ્લી બસ ગઈ. હવે ટ્રેનમાં જવું પડશે. શું બની ગયું એનું કશું ભાન-સાન નહીં એના ચિત્તમાં રમમાણ સાત વર્ષ પહેલાનો ક્લાસરૂમ બેન્ચ, આઈ લવ યુ, હાસ્ય..

   મજાક, પરિક્ષાઓ, નોટબુક, પ્રોફેસર, પરિણામો, ચહેરા, સંવાદો, ઘટનાઓ આ બધું એક સામટું ધસી આવ્યું ને એણે એજ અવસ્થામાં બજારના માર્ગે થઈ રેલ્વે સ્ટેશન તરફ ચાલવા માંડ્યું. અરે, દોડવા માંડ્યું પછી તો તમે જાણો છો અંતે શું બન્યું ? અરે તમે તો કેવા હજુ બેઠા છો? હવે મારે તમને ચિપકાઈ ગયેલા, ગળે વળગેલા ગણવા પડશે, તમારે બાળકો છે. પત્નિ છે કે પતિ છે કે ભણવાનું છે કે અખબાર વાંચવા છે જોક્સ મેસેજની શાયરીઓ, જોક્સ, વિડિઓ...અરે ! વાર્તાનો ધ્વનિ, પાત્રો, વાતાવરણ બધી તપાસ કરવાની છે. કથકને લગતા અભ્યાસો કરવાના છે. ઉઠો યાર આવી રીતે આમ સમય ના બગાડો. આ બધી અંત આરંભની પ્રશ્નાવલી ના ઊભી કરો. હવે મારે કહેવું પડશે ? આરંભ કહેવો ના કહેવો મારી મરજી. શું ? તમે ગળે પડ્યા યાર હવે આવું ના ચાલે. ઈન્ટરનેટ પર બેસી જાવ તમને દુનિયા આખીય માણવા મળશે. ફરો, જાવ,એવું કરો ચા પી આવો. જાવ. શું આરંભ? વાર્તાનો આરંભ? આ દોડધામમાં આરંભ જાણવો છે ? જ્યાંથી વાર્તામાં પ્રવેશ થાય એ ? ચાલો ચાલો આટલે આવ્યા છો તો. પણ તમારો મોબાઈલ સ્વીચ ઓફ! કોઈ ખાસ ફોન હશે તો ? ચાલો એવું બધું બધુંય મીસ થાય એ પહેલાં આરંભ –

   લાઈબ્રેરી.... સંપૂર્ણ ડૂબેલાં મન. એ મનની ભીતર રમતા શબ્દો. શબ્દની ભીતર અર્થ, અર્થો નો સરવાળો, વિભાવનાઓ અને અવકાશ પૂરવા માટેની મથામણો. પણ આ સાહેબ અચાનક એક ભાવના વહેણમાંથી અટક્યા, અટક્યા સાવ જ અટકી પડ્યા. વિચાર્યું આ શબ્દ શા માટે લખાયો? એનો કશો અર્થ નથી. અહીં આ આખા વાક્યને ઊંધા રવાડે ચડાવે છે. પછી ફકરો ઉંધા રવાડે આખો ભાવ માર્યો જાય. આ શબ્દ સર્જાયો. એ ભૂલ, ભૂલ એટલે કેટલી મોટી ભૂલ !... ભૂલ યાર ભૂલ. હાર્યો ખેલાડી ખોટું પગલું રમ્યો તે ભૂલ, ચૂંટણીમાં અમુક વિસ્તાર બરાબર ના કવર થાય તેવી ભૂલ.... પરિક્ષામાં એક પ્રશ્ન બરાબર ના લખ્યો એવી ભૂલ. ખેતરમાં ખાતર ઓછું પડ્યું એવી ભૂલ, ભેંસને ઓછું પાણી અપાય એવી ભૂલ. આ બધા જેવી જ એક ભૂલ એટલે આ શબ્દ ખોટી જગ્યાએ છે એ ભૂલ. આખો ભાવ. ભાવ એટલે મનપ્રદેશ, ભાવ એટલે વ્યક્તિને ખોટી બાજુએ ખોટી જગ્યાએ લઇ જાય એ. ના ચાલે. લીધું રબર ને માંડ્યા ભૂંસવા. ઘણો પ્રયાસ કર્યો. આડું ભૂંસે સીધું ભૂંસે, ત્રાંસું ભૂંસે બાજુના અક્ષરો અડધા અડધા ભૂંસાય પણ એ શબ્દ ના ભૂંસાય કાગળ આજે મહત્ત્વનો પસંદ કરેલો એટલે બદલવો અઘરો. એ ભૂંસવાનું કઈ રીતે શક્ય બને ? ઘણી ટેકનિક ભૂંસવાનીય એમણે વાપરી. કાગળ કાણો થવાની તૈયારી પણ પૂરેપૂરો શબ્દ ભૂંસાય નહીં ને અચાનક આ સંઘર્ષની વચ્ચે –

   સુસ... સુસ... ના સિસકારા આવ્યા ઉચું ડોકું કર્યું તો બધા એમની સામે જોવે ને કહે એલાર્મ બંધ કરો. ત્યારે જ ખબર પડી જવાનો સમય થાય છે. એમના મોબાઈલ પર એલાર્મ વાગ્યું. બધું ઝપાટા ભેર નાખ્યું થેલામાં. મોબાઈલ ઉઠાવ્યો બંધ કરતા ભાગ્યા. આસપાસના લોકોએ આછા સ્મિત સાથે પાછા અક્ષરોમાં નજરો ભરાવી દીધી. પછી તો તમને ખબર છે આ ભાઈ જેવા બસમાં ચડવા ગયા એવાજ... અરે ! ક્યાં ચાલ્યા ગાળો બોલતા. ઉભા રહો. વચ્ચે એક વાત કહી દઉં.

   લાઈબ્રેરીથી બસસ્ટેન્ડ આવતાં એ વિચારતા હતા કે....
   “લખતાં લખાઈ જાય પણ ભૂંસવું અઘરું એટલે ભૂંસવાની મથામણ હારે જગત ની કઈ ચીજ આવે માળું !”
* * *


0 comments


Leave comment