7 - રોઝડો / રાજેશ વણકર


   રોઝ મારી સામે બેઠો છે, હું રોઝને જોઉં રોઝ મને જોવે ના જોવે ને.... જોયું ના.... જોયું કરે... અને એની આંખથી જરા આંખ મિલાવો તો એની આંખમાં રોઝ પરંપરાનો આખો એક વિચાર અલપ ઝલપ પસાર થઈ જાય, રોઝડા વિશે દાદા કહેતા ‘શેમમાં રોઝના ટોરેટોરાં આવે એઈ આવે ને મોણહનો પડછાયોય ના પડવા દે. ફૂ રૂરૂરૂ.... ફૂં ઊડી જાય એકદમ પારેવાંની જેમ. હોલા ભડકણ જાત્ય, મૂળે ગાયમાંથી પેદા થયેલી. પણ ગાયથી રોઝ જુદો પડે જંગલી ગણાય ને પહેલાં રોઝને લોકો પાળતા એનું દૂધ શેડ મારે. ભૂંય ગોડી નાખે એવી.

   એવો એ અચાનક ઉભો થાય પેશાબ કરે ને પછી ધીમેથી બેસી જાય પાછો મારી હોમે જોવે ને જોયું ના જોયું કરે. એણે પેશાબ કર્યાની હળવાશને માણે, બગાસું ખાય, પણ ઊંઘે જ ના. રોઝને ક્યારનુંય મેં કહ્યું – હું તો યુગોથી તરસ્યો છું મેં મારી તરસને છીપાવવા મેં માત્ર જળ જેવા જળની અપેક્ષા મારા હૃદયમાં કોતરી રાખી છે મારી તૃષા છીપાવ. પણ રોઝ કોને કહે ? એ રોઝ તો હાથ મેલો તે લહરી પડે, હાથ હોય તેવો નહીં કદાવર લથબથ હોય તો પણ હા. રોઝ આજે થાક્યો છે નહીંતર આમ નદી પર મારી હામે જોયું ના જોયું કરતો બેહી ના રહે. એ પોતે એનો આનંદ માણે એક ઝાડને એણે ઘસી ઘસીને છાલ ઉખાડી નાખી છે એ ઝાડ એટલે બાવળ. નર્યો કકરો હાથ અડાડો તો કાંટા ના હોય તોય કાંટા વાગતા હોય એવું લાગે. એ બાવળીયો, બે-ત્રણ નાના નાના બોંટવા, એક જંગલી ગલોડી, હું, અને આ રોઝ સરોવર કિનારે લટાર મારી આવ્યા એ સરોવર પાછું શોધવાનું હતું એટલે આખો દહાડો રખડ્યા આથડ્યા. તડકો કરડે પણ રોઝને જાડી ચામડી. કાંટા વાગે પણ બાવળ તો પોતે કાંટાળો પેલી જંગલી ગલોડી શાક મોરવામાં કામ ના લાગે પણ ફેલાય આખા વાડામાં એને થોડી થોડી વારે કરમાવું પડે શરમાવું પડે. બાવળ સાથે એને ઘરોબો એટલે એ તો ઘડીકમાં બિંદાસ થઈ જાય અને ઘડીમાં વળી પાછા ટટ્ટાર થઈને રોઝને જોયા કરે રોઝ ચકળવકળ આંખે બધાને જોવે, ઘડીકમાં બધાને વઢે ને ઘડીકમાં બધાને ઝરણાનું મીઠું પાણી પીવડાવે, ખુશ રાખવા, મને પણ. રોઝડે બધું ફરેલું બધું જોયેલું એતો ઝરણાંની મીઠાશમાં નવ નવ પોરા ઝાલે, એને અડે, વીંછી ડંખ મારે ને વલોરતા ફરે, વલુરવાની ને દુઃખાવાને માણ્યા કરવાની એને મઝા પડી. એ જાણે ને એનો શોખ જાણે. અડધી વાર હુધી તો રોઝ મને અડે મને ચમચમાટી જેવું થાય. રોઝ મને ઝીભથી ઝાલે એનું લાળ હું ચોપડું મારા સાથળ પર,ગાલ પર, લીંગ સુધી પહોંચે એટલું લાળ એ પાડે નહીં. પણ રોઝ એ રોઝ, આવા આવા થોડા કલાકોમાં એણે મારા આ પ્રવાહમાંથી વીંછી કાઢ્યો, પોરો કાઢ્યો, એક કાંટાળી માછલી કાઢી, કાજુ ભરેલો ડબ્બો કાઢ્યો, ને પછી તો એ બધાને વળગીને રોઝ બેઠો અને શીંગડે થોડુંક લબડાયું, થોડુંક પગે બાંધ્યું. થોડુંક માથે ચોપડ્યું ને એમ બેઠો, ફર્યો, સરોવર આવ્યું સરોવરની પાળ ચડતાં ચડતાં તો કલાકેક વીત્યો. જાણે વરસો વિત્યા રોઝને જવા માટે રસ્તો મોટો જોઈએ રોઝ અવળો ફળીને બીજે રસ્તે ચાલ્યો, હું આ રસ્તે ચાલ્યો સરોવરના પાણીનું આચમન કર્યું ને પાળ પર પાછા અમે બધા ચાલ્યા, ગિલોડી એના ગિલોડામાંથી લાળરસ ટપકાવે. લાળ ચોફેર રોઝ આંટા મારે અને હું સરોવર વિશે વિચારું. એનું પાણી, એના વલયો, એમાં બેઠેલા બગલાં, અંદરની માછલીઓ, સારસીઓના અટકતા લહેરાતા ટહુકા બધુંય હું યાદ કરું.

   થોડુંક રોઝને કહેવા કોશિશ કરું પણ રોઝ સાંભળે ન સાંભળે ને ભૂલી જાય. મારે કે’વું કોને ? બાવળીયા ફર્યા કરે ટેકરીઓમાં, બાવળ ગિલોડીને લઈને આમ તેમ ફર્યા કરે, શોધ્યા કરે છાંયડો. પેલો લીમડો તો ચરણ વગરનો દોડે દોડે ઉભો રે, છીંક ખાય, પાછો વળે અને ચાલે. રોઝને લાગી ભૂખ. એને ખાવું હશે એટલે મેં એને કહ્યું, ચાલ ... માંડ માંડ ખેતરમાં ઘુસાડ્યો અને ચારેપાથી લચી પડેલા મોલમાં બેઠા બેઠા ખાવા કહ્યું. પણ આ રોઝ હતો. એને તો ઘણા નાના પડે, કાચા પડે, પાકા પડે, સમરી અડે..એતો ઉભો થઈ ગયો ને બહાર નીકળી ગયો. રોઝ મારી હારે. બધા તો સરોવર જોવે, નહાય પાણી ઉડાડે, ને કુદકા મારે ઘડીકમાં લીમડાને અડે ને પાછો મારા ખભે માથું મૂકે અને હું ખળભળું ઊંચો-નીચો થાઉં ને શાંત થાઉં.

   અમે તો પાછાં વળ્યા.
   સાંકડી નેળ;
   બધાને જવાનું ને રોઝ તો પહોળો થઈને ચાલે ડોલતો ડોલતો, અમારા બધામાં કદાવર લીમડા, મહુડા, ને બાવળ મોટા પણ થડ નાના એટલે નેળીએ થઈને ચાલ્યા . વચ્ચે મકોડાના ટોળે ટોળા ઉમટે મકોડીઓ ઉંચી નીચી થાય, પરસેવો લૂંછે, હાથીઓ સૂંઢ ફેરવે, ઉંચી ગાંડ કરીને ચાલતા મકોડાય ખરા ત્યાં.બધાય મળે.

   દુરની ટેકરીઓ પર નજર ટેકવીને હું બેઠો હતો ધીરેથી બાજુમાં બેઠેલો રોઝ ઉભો થયો, મારા પર ચોપડેલું લાળ સુકાવા આવેલું મને તરસ લાગવા માંડેલી ને એ ઉઠ્યો; અહીં જોયું ત્યાં જોયું, લીમડાને અડ્યો, બાવળ પર હાથ ફેરવ્યા અને જંગલી ગલોડીમાં હાથ નાખ્યા અને બાવળને અડ્યો બાવળ તો મૂળે ચગેલો એ તો કે મારા કાંટા અહીં છે, તહીં છે, મારે ફૂલ પણ છે, હું ફૂલ વેરું, ભલભલા કેસૂડાના ઢગલાને સુંદરતાના પાઠ શીખવાડું અને મારેય ડાળીઓ કેટલી બધી, જોવો દાતણ કરવાથી માંડી ને હું તો ઘરોના મોભ લગી વિસ્તરવાનો, અરે મંદિરો, મસ્જિદો અને ખટારા બધે જ બધે મારો વિસ્તાર હતો એટલે બધે વિસ્તરવાનો કે નર્યો વિસ્તાર હું, હું એટલે વિસ્તાર મને એનો રોમાંચ. જોઉં ઝીણું તો રોઝ તો એની આંખોમાં છે. ડૂબે ડૂબે ડૂબે ને હું એને જોયા કરું ગરીબ જેવી નજરે.

   મને ઝરણાં ફૂટેલાં છે મારી ડાળીઓમાંથી સુખડની વાસ આવે છે. મારા હૃદયમાં વહેતાં ઝરણાંની મીઠાશ છે પણ હું કહેતો નથી. મારી સમૃદ્ધિને માણનારા તૃપ્તિના આનંદના અધિકારી બન્યા છે હું તો નર્યો શાંત પ્રવાહ મને મારાં ઊંડાણભર્યા ઘરનો પ્રવાસ ખેડવો ગમે આ સ્તરો, વલયો વચ્ચેની ઉંડાઈ માપી શકો, મારી નહીં. પણ આ બધું કોને કહેવું ? મારા પર લાળ વરસાવતા રોઝને મારા ઉંડાણની અનુભૂતિ થઈ નથી ને થશે કે કેમ પ્રશ્નો છે. એને તો બાવળનો કાંટાળો વિસ્તાર ગમ્યો એ એના છાંયડે બેઠો. ખાવાની વાતો કરી, ફરવાની વાતો કરી, રમવાની વાતો કરી, ચરવાની વાતો કરી. વારંવાર બાવળીયાના નરી હવા જેવા શબ્દોને આશ્ચર્યથી સાંભળી ‘એમ ? વાહ તમને તો બાવળભાઈ મોટા ફૂલો ના ગમે’
‘અરે દોસ્ત રોઝ, તેં જોયા નહીં હોય એટલા ફૂલોની ફોરમ મારા શ્વાસમાં પ્રવેશી ચૂકી છે પણ ક્યારેય મારા શ્વાસની સફર તેં કરી હોય તો તને સમજાયને! રોઝ પોતે રોઝ છે અને એનું એ રોઝપણું મારી આગળ ક્યારેય ના છોડે પોતે રોઝ છે એનો અહેસાસ સતત કરાવે.’

   એવું એ જ્યારે મળે ત્યારે કહે પણ ખરો. પણ એ બાવળને માથું ઘસે ત્યારે તો એ બાવળની આગળ માથું નમાવે છે. એની આંખોમાં પ્રશ્નો થાય અને શમે. આ રોઝ શા માટે રોઝ નથી ? અત્યારે બાવળને એ પકડે બાવળ વિશે ચિંતન કરે. બાવળના કાંટાઓ અને એના વિસ્તારને એ અડકે, અને બાવળ વિશે બાવળપણાના વહેમમાં એ ડૂબે , રોમાંચિત થાય. હું ટેકરીઓ ઉપર નજર ટેકવીને બેઠો. સૂરજ ત્યાં દૂર બેઠો બેઠો તાપને ભૂલીને મારા સરતા આંસુ પીધા કરે, પીધા કરે, પીધા કરે, મારું ને સૂર્યકિરણોનું મિલન અદભૂત. ચાલતા ચાલતાં પણ ત્રાટકની જેમ ઢળતા સૂર્યમાં હું ડૂબ્યો પણ સૂરજ કેવો છે? એ તો સંતાઈ ગયો. અંધારું મૂકીને ભાગી ગયો, ક્યાં જવું? વહેતો પવન અડપલા કરે ને રોઝ મને હવે અડે તો કેવું લાગે ? નવું બાવળપણું કાંટાપણું લઈને રોઝ મને અડે, રોઝને ઉંઘવું હતું એટલે વળી એ મારામય થવા આવ્યો પણ એનું પેલું બાવળપણું પોતાને રોકે. એથી ક્યાં જવું ના ઊંડાણમાં એ બાવળની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈના નર્યા ગણિત જેવા પ્રશ્નોમાં ડૂબ્યો. કવિતાઈ લય જેવા મારા ઊંડાણમાં વિહાર કરવાનું એને ના ફાવ્યું. અને એ બાવળના ગણિતમાં પડ્યો. બાવળે પર્વત વિશે વાત કરી પેલી ઘરોળી સાથે. તો એ વાતને કાપીને વચ્ચે માથું નાખ્યું રોઝડે. કેટલો વિશિષ્ટ છે રોઝ ? અને આ રોઝનું રોઝ હોવું. મને કહ્યું.

   આ બાવળ....,અને એના કાંટા મને ડંખ્યા. મારા ખભે માથું ટેકવ્યું એ ઊંઘ્યો. ખુપ્યો કાંટા થઈને. અમે પોતપોતાની જગ્યાએ જતા રહ્યા, બધા ઉંઘવા માંડ્યા પણ મારે શું કરવું ? હું તો આકાશમાં ઉડ્યો. આ તારો, પેલો તારો, ચંદ્રની ચાંદનીમાં નહાયો. ને સવાર પડી ને સૂરજદાદા વળી મને મળી ગયા.

   હું જવા નીકળ્યો ત્યાં રોઝ મારી સાથે. એને યાદ આવ્યું. મારે તો આની સાથે એના ઊંડાણમાં જીવવાનું છે ને અને એ ચાલ્યો રસ્તે મને ભેટ્યો તો બાવળના કારણે એને શરીરે ફૂટી નીકળેલા કાંટા મને વાગ્યા. મારી ધોરી નસ કપાઈ લોહીની ટશર ફૂટી સાથળેથી લોહી બહાર આવ્યું મારી ત્વચાની પાર પેલા લીંગને હવે કશો રોમાંચ ના થાય એટલી હદે ત્યાં કાંટા વાગ્યા. મારા ગળાની મધ્યમાં મોટો કાંટો વાગ્યો હું લોહીલુહાણ થઈ ગયો. પણ હું તો નર્યો રણનો જીવ, ઘા બાજરીયું આખા શરીરે ફેરવ્યું ને કોરો કટ. આ બેઠો સાવ નવોસવો થઈને. પણ રોઝ કાંટાનો વેશ ક્યાં સુધી રાખશે એ કાંટા છે જે રોઝને ના શોભે, બાવળને શોભે એવા કાંટા પહેરીને બેઠો છે મારી સામે, હું મનમાં ને મનમાં એની આ બાવળગી પર હસું છું. બહાર તો સાવ ઉદાસ છું. રોઝ હાથે કરીને પોતાના પગ પર કુહાડો મારે છે. પણ શું થાય ? એ રોઝ છે લથ-બથ છે ફૂંક મારું તો પારેવાની જેમ ફરરર..... ફૂં પણ થઈ જાય, એટલે જ એની સામે જોતો જોતો હું એની બગલા ઊંઘ સામે મારી ઊંઘ માટે આંખો મીંચી લઉં છું. ઘા બાજરીયાની અસર છે એ સારું છે. રોઝ બગલા જેવી ઊંઘમાં જ છે. ને હું હવે ભરઉંઘમાં. એટલે કે મારા જ શીતળને લહેરાતા ઊંડા જળમાં.... ડૂબકી... અનંતમાં.
* * *


0 comments


Leave comment