37 - ગુલમ્હોર જેમ / રમેશ પારેખ
જર્દ શબ્દોમાં અહીં ગુલમ્હોર જેમ
ક્યા કવિનો શબ્દ પેઠો ચોર જેમ
આભ સંકોચાઈને પંખી બન્યું
સૂર્ય ફેલાઈ ગયો કલશોર જેમ
પર્ણ નથી પીડા ય શણગારે મને
વૃક્ષ છું, ઊગ્યો નથી કૈં થોર જેમ
કાલનાં કાચાં અધૂરાં સ્વપ્ન પણ
આંખમાં ઝૂલે છે રાતાં બોર જેમ
આજ હે વાદળ, તમે વરસ્યા કરો
ધૂળ પણ ગ્હેકી ઊઠે છે મોર જેમ
દ્રશ્યના રંગીન મણકાઓ આ હાર
હું પરોવાયો છું એમાં દોર જેમ
(૩૦-૦૫-૧૯૭૨ / મંગળ)
0 comments
Leave comment