82 - ૯૯ વર્ષના રજપૂતનું ઊર્મિગીત / રમેશ પારેખ
ઢોલિયો અંદરના ઓરડામાં ઢાળજો
(આજ મારી છાતી પર ઊગ્યો છે કાળોછમ વાળ, જો...)
ફૂંકું છું આજ હૂંફાળી રાખ,
જેમ ફૂંક્યો તો કોઈ વાર પાવો
કહું છું આ હુક્કો તો કાજળી ગયો છૂ
નવો દેતવા ફરીથી ભરી લાવો
ભાંગીતૂટી કોઈ ફાગણની લાગણીને સંકોરી મેડિયું ઉજાળજો...
નેજવું કરીને પંથ નીરખું તો આજ
મારે ઘેર મને આવતો હું લાગુ
થાકભર્યો જીવ સાવ છુટ્ટો મેલીને
હું તો હાશ કહી ઓસરીમાં ભાંગુ
જેવું ભાળ્યું’તું પ્હેલવ્હેલું એવું જ મારા આવ્યાને ભીનુંભીનું ભાળજો...
(૦૫-૦૬-૧૯૭૧ / શનિ)
0 comments
Leave comment