131 - સતત રાત્રિ / રમેશ પારેખ
રસ્તા વચ્ચે જોજન જોજન રાત પડી હોજી રે
મેશ વળે કાયામાં માઝમ ઘડી ઘડી હોજી રે
શબરી થઈ આંગળીઓ ચાખે હજુ પીડાનાં બોર
પાકાં કાચાં વેરણછેરણ લટકે ચારેકોર
રેખાઓની જનમ કેદમાં હથેળીઓનું ગામ
ખરબચડી રામાયણ વચ્ચે સબડે છે શ્રીરામ
તારીખની વનરાઈમાં મૃગ સોનેરી એક
રૂંધામણના હાથમાં આવ્યો કોરો Cheque
સામે ઊભાં ઝળહળે અમરેલીનાં રાજ
ચૂચાં ચક્રચૂડામણિ રૈયત માણસબાજ
નામ રહંતા ઠાકરા, વસ્તી આખી ગુમ
મરહૂમોને પણ ઊગે જનમારાની દૂમ
શું છે જીવગીરી અને શું છે ઊંડી વાત
છેદાયેલા જીવમાં જોજન જોજન રાત.
(૧૧-૦૯-૧૯૭૫ / ગુરુ)
0 comments
Leave comment