1.7 - સુખસંગત / સંજુ વાળા


વીતરાગી વહેતા જળકાંઠે
બેઠા સુખસંગતમાં
નહીં પરાયું કોઈ અહીં કે
નહીં કોઈ અંગતમાં.

હોવું એ જ હકીકત નમણી,
ભેદ ન ભાળે ડાબી-જમણી
શું એને કુબજા? શું રમણી?
ભાવભર્યું આલિંગન લઈને
રમી રહ્યા રંગતમાં
બેઠા સુખસંગતમાં.

જાગ્યાને મન મેદ જાગનો
ચડે સૂતાને કેફ રાગનો,
બને છેડે ખેલ આગનો
ભરી સબડકો ખટરસ ચાખ્યો.
પ્હેલ કરી પંગતમાં.
બેઠા સુખસંગતમાં.

(૧૫-૦૪-૨૦૦૫)


0 comments


Leave comment