7 - એક વૃદ્ધની સાંજ / નલિન રાવળ


અંધાર ધીરે ઓરડાની ભીંતને બાઝી રહ્યો.
તાપણીના તાપને સરખો કરી
બરછટ હથેળી
આંખમાં આવી ચડેલી ઊંઘને લુછી
પડી પાસે ન જે તે ચીજને ફંફોળવા મથતી રહી.

હલબલ્યો અંધાર
ને કો હણહણાટી અશ્વની
બેવડ વળ્યા આખા જરઠ એ દેહમાં ઊતરી ગઈ.
આગનો લબકાર ઊંડા અંધકારે વેગથી દોડી ગયો.
શંખનો રવ ઘોર મજ્જા-માંસ-અસ્થિ-નસનસે પ્રસરી વળ્યો.

બે આંખ
(વેરાઈ જતી તૂટતી નજરને ગોઠવી)
જુએ :
અધર પરની ભીંસ... ને કાળી ચમકતી ભ્રૂ પરે પ્રસ્વેદનાં ટીંપા,
અને બે સ્નિગ્ધ સ્તનનો કંપ...

બે કાને
(વેરાઈ જતા તૂટતા અવાજો ગોઠવીને)
સાંભળે :
ભીના ગરમ બે હોઠમાંથી એકદમ ઉચ્છવાસમાં
ઊથલી પડેલા શબ્દનો છણકો, ‘અરે, ચાબૂક જો ચોડી દીધો !'

બરછટ હથેળી
આંખમાં આવી ચડેલી ઊંઘને લૂછી
પડી પાસે ન જે તે ચીજને ફંફોળવા મથતી રહી.
વૃદ્ધનો આછો ફફડતો શ્વાસ
ત્યાં બબડી ઊડ્યો, ‘ચાબૂક રે ચોડી દીધો !’


0 comments


Leave comment