12 - મધ્ય રાત્રિએ ભરૂચ / નલિન રાવળ


દ્યુતિલકીર નર્મદા
પ્રલંબ કલ્પ-દૃષ્ટિ પાર વિસ્તર્યા
અભોમ આભમાં ઝગંત,
શાંત ગીતપંક્તિ શી ક્ષિતિજ,
અભ્ર ડોલતાં,
સઢો વહાણના તરંત,
દૂર
તારકો ભરેલ વૃક્ષટોચ,
પોચી ટેકરી ધીમું શ્વસંત,
ચન્દ્ર
ધુમ્મસે ભીનો થયેલ,
અર્ધ ઘેનમાં સરંત,
પુલ
મંદ વાયુ શો
વહંત,
ભાંગલું ભરૂચ નિંદના
અસીમ પ્રાન્તમાં લસંત,
લોલ સ્વપ્નમાં ઝૂલંત.


0 comments


Leave comment