13 - ઠામ / નલિન રાવળ


ચાંદો, તારા, તમરાં ચૂપ,
માળે ડૂબી ઘુવડ-ધૂક,
પાને પાને પોઢી રાત,
તળાવ જંપ્યું કહેતાં વાત.

બાંધી લીલી તરણાં ઝૂલ
ઝૂલતાં લેટ્યાં ફૂલે ફૂલ,
ઠંડો ધીરો વ્હેતો વા
મીઠા કો હૈયાની હા.

ફરતું ફરતું શમણું એક,
આવ્યું વગડે અહીંઆં છેક;
થાક્યું પાડ્યું બોલ્યું ‘રામ !
સૂવા માટે જોઈએ ઠામ.’

ટ્હૌકી ઊઠી ફૂલ-સુવાસ :
‘આવો, દઉં અંતરમાં વાસ!’


0 comments


Leave comment