14 - કાલ લગી અને આજ / નલિન રાવળ


કાલ લગી
પોચું જાણે પલળેલા પૂંઠા જેવું આભ
આજ
કડક જે પાપડ ને સારેવડા જેવું,

કાલ લગી
લથબથર અંગે ભીંજાયેલાં મકાનો
જે ફડકમાં વ્હીલાં ભીરુ ઘેટાંના કો ટોળા જેવાં
આજ
શિયાળવાં જેવાં સહુ લુચ્ચાં,

કાલ લગી
શ્હેરના સૌ લત્તા
ચીનાઓની આંખ જેવા લાગતા'તા ઝીણા
આજ
સમાચાર-પત્રોનાં હેડિંગ જેવા પ્હોળા,

કાલ લગી
વૃદ્ધના ગળેલ ખોટા પગ જેવો
વિચારોમાં કોરાકટ મન જેવો
આજ
કવિતાના લયબદ્ધ છંદ જેવો તાજો
તડકો કડાક કોરો પ્હેરીને હું નીકળ્યો છું.0 comments


Leave comment