15 - ચોમાસામાં / નલિન રાવળ


આજ
બારી કને બેઠો બેઠો
જોઈ રહું
જાય પેલાં દાદૂરનાં વાજાં, તમરાંનાં ત્રાંસાં,
આભ માથે જાય ચાલ્યાં વાદળાંનાં ગાડાં,
ઊંચી ડોકે જોઈ રહ્યા મોરલાઓ ગાય કેવાં ગાણાં.
સાંભળે ઓ
માળે બેઠાં હોલાં,
સાંભળે ઓ
સીમ ભરી બેઠાં ભેંસ-ટોળાં,
સાંભળે ઓ
ખેતરના ચાડિયાઓ કાન કરી પ્હોળા,
સાંભળે ઓ
ઘાસ ચડી ઝાકળનાં ફોરાં,
સાંભળે ઓ
બારી કને બેઠાં બેઠાં કોક કોક છોરાં


0 comments


Leave comment