17 - કહીં જશે ? / નલિન રાવળ


પતંગિયાની પાંખ મહીંથી પ્રગટી
પેલી સ્હવાર
ક્યાં ગઈ ?
કૂકડાની કલગીના જેવી તોર ભરીને મોહક
પેલી બપોર
ક્યાં ગઈ ?

ધણ-ધેનુની ખરી મહીંથી ઊડી રહી
રે મ્હેક ભરી એ સાંજ
ગઈ ક્યાં?

કહીં જશે
આ ફૂલ સરીખા ફૂટ્યા તારા?
કહીં જશે
આ આભે ખીલી રાત, અને આ રાતમહીં જે ખીલ્યાં
શમણાં મારાં ?


0 comments


Leave comment