20 - ગાન / નલિન રાવળ


આંખની શી રીતભાત ?
સખી, તું વાત કહે ભીલ ભાત.
પલમાં ફોરાં શ્રાવણીનાં જલ લોલમાં ઝૂલી
હેતની ખીલે કુસુમકલી,
પલમાં ગાઢાં આષાઢબાદલ છાઈ રહે, વળી
આગથી ભરી વીજ ઝબૂકી !
આંખની શી રીતભાત ?
સખી, તું....

પલમાં કેવી આતુર મને આંજવા તારી આંખ
કરે લખ વાનાં,
પલમાં આઘો દૂર ફંગોળી પૂછતી મને
કોણ છો અને ક્યાંના ?
આંખની શી રીતભાત ?
સખી, તું....

પલમાં એવાં લાડ લડાવે,
નજરની ફૂલ હળવી એવી થપકી મારી
મનને મારા શુંય હુલાવે,
પલમાં તાતી તોછડી આંખે વેરતી
અગનઝાળથી રોમેરોમ જલાવે !
આંખની શી રીતભાત ?
સખી, તું....


0 comments


Leave comment