22 - ઝાલરટાણું / નલિન રાવળ


ઝરમર ઝરે ગગન શ્રાવણનું
ફરફર વહે
પવન પર ઊડતા પંખીઓનું ગાણું
પર્ણ છવાયાં લાલ માટીના પથને મૂકી
ખળખળ વહેતા જલ મહીં
ધરી ચરણ... ધીરે ધીરે ચાલું
ઘાસ મહીં ઓ... જાય દોડતું સસલું
મોર ગ્હેંકતી ઝાડી મહી
લઈ ઠેક નાસતું હરણું,
ટેકરીઓની પાર સૂરજનું આથમતું અજવાળું
તમરાંના ત્રમકારે આવી રહ્યું અંધારું
નેહભરી આંખે આનન્દે
મંદિરની ધ્વજા ફરકતી ન્યાળું
મન ભીતર મનની બહાર સાંભળું
તારક તારક પર રણઝણ રણક્યું ઝાલર ટાણું

ઘેલા નદીને કાંઠે આવેલ સોમનાથ મંદિર –
મારી કેટલીક રચનાઓનું પ્રેરણાસ્થળ0 comments


Leave comment